: ૩૬ : આત્મધર્મ : ફાગણ : ર૪૯૯
વાંચકો સાથે વાતચીત અને તત્ત્વચર્ચા
આત્મહિતને લગતી જિજ્ઞાસાના કોઈ પ્રશ્નો આપને મુંઝવતા હોય તો
સમાધાન માટે આપ આ વિભાગમાં પૂછાવી શકો છો. સંપાદકને યોગ્ય લાગશે
તે પ્રશ્નોના જવાબ આ વિભાગમાં આપવામાં આવશે. ધર્મને લગતી જાણવા
જેવી અવનવી વાતો–પ્રસંગો પણ આપ આ વિભાગ માટે મોકલી શકો છો.
પ્રશ્ન :– સ્ત્રી મોક્ષની અધિકારી થઈ શકે?
ઉત્તર :– હા; સમ્યક્ત્વ પામનાર સ્ત્રી એકબે ભવમાં જ મોક્ષની અધિકારી થઈ શકે છે.
બાકી સ્ત્રીપર્યાય રાખીને કોઈ મોક્ષ પામી શકે નહિ. સમ્યક્ત્વાદિના બળે બીજા
ભવે સ્ત્રીપર્યાય છેદી, મનુષ્ય થઈ, મુનિ થઈ, તે જીવ મોક્ષ પામી શકે છે.
સ્ત્રીપર્યાયમાં પણ જ્યાં સમ્યક્ત્વ થયું ત્યાં નિયમથી મોક્ષની પ્રાપ્તિનો સિક્કો
લાગી ગયો. એ જ રીતે તિર્યંચ કે નારકી પણ સમ્યક્ત્વ પામીને અલ્પકાળમાં
મોક્ષના અધિકારી બની શકે છે. મોક્ષના અધિકારી થવું હોય તેણે પ્રથમ
સમ્યક્ત્વની આરાધના કરવી જોઈએ.
પ્રશ્ન :– સમ્યગ્દ્રષ્ટિને નિર્વિકલ્પ અનુભવમાં અનંત ગુણો હોય છે?
ઉત્તર :– હા; અનંતગુણ વગરનો આત્મા હોય નહિ; અનુભૂતિમાં પણ અનંતગુણના
રસથી એકરસ થયેલો ‘આત્મસ્વાદ’ છે. ચૈતન્યના અનંતગુણોનો અભેદ
રસાસ્વાદ તે નિર્વિકલ્પઅનુભૂતિ છે. તે અનંત આનંદમય છે.
પ્રશ્ન :– ગમે તેટલું ખાધા છતાં ફરીને ભૂખ લાગ્યા જ કરે છે, તો એવો ક્્યો ઉપાય છે કે
આ ભૂખનું દુઃખ મટે?
ઉત્તર :– ચૈતન્યસ્વરૂપ અરૂપી આત્મામાં જડ આહારનો પ્રવેશ જ નથી; આવા આત્માના
લક્ષે અનાહારી ભાવ પ્રગટ થતાં આહારની વૃત્તિ રહેતી નથી. જ્ઞાનમાં આહાર
હોતો નથી. આહારસંજ્ઞા તે પ્રમાદ છે, ને અપ્રમત્તભાવે જ્ઞાનસ્વરૂપમાં ઠરતાં
આહારસંજ્ઞા રહેતી નથી, ત્યાં ભૂખ લાગતી નથી ને દુઃખ રહેતું નથી. અહા,
ચૈતન્યના પરમ અતીન્દ્રિય સુખના સ્વાદમાં મશગુલ થયો તે જીવને ભૂખનું
દુઃખ ક્યાંથી હોય? એ તો પરમ તૃપ્ત–તૃપ્ત વર્તે છે. ચૈતન્યના અમૃતનો સ્વાદ
લેવો એ જ ભૂખનું દુઃખ મટાડવાનો સાચો ઉપાય છે. ચૈતન્યના આનંદના
ભોજન વગર જીવને કદી તૃપ્તિ થવાની નથી.