: ૮ : આત્મધર્મ : ચૈત્ર : ૨૪૯૯
ઉપાય છે; આ જ્ઞાનમાં શ્રદ્ધા–આનંદ વગેરે અનંત ભાવોથી ભરેલો ચૈતન્યરસ વેદાય
છે; પણ રાગના કોઈ અંશનું વેદન તેમાં સમાતું નથી. ધર્મીને જ્ઞાનની પર્યાયમાં ભલે
અનેક ભેદ હો, પણ તે બધાય ભેદો–બધી પર્યાયો અંતરના જ્ઞાનસ્વભાવ સાથે જ
એકપણે પરિણમે છે, એકેય પર્યાય રાગના કોઈ અંશ સાથે ભળતી નથી; દરેક પર્યાય
રાગથી છૂટી જ રહે છે, ને અંતરના ચિદાનંદસ્વભાવમાં તન્મય થઈને તેને જ
અનુભવે છે, એ રીતે તે બધી પર્યાયો આત્માના નિજપદની એકતાને જ અભિનંદે છે
આવા આત્મસ્વભાવભૂત જ્ઞાનનું એકનું જ અવલંબન કરવાથી નિજપદની પ્રાપ્તિ
થાય છે, આત્માનો લાભ થાય છે ને ભ્રાંતિનો નાશ થાય છે. આવા જ્ઞાનના
અનુભવથી જ મોક્ષ પમાય છે.
મોટા કેવળજ્ઞાનમાં અનુભવાયું તે જ્ઞાનપદ મોટું, ને સાધકના નાનકડા મતિ–
શ્રુતજ્ઞાનમાં અનુભવાયું તે જ્ઞાનપદ નાનું–એવા કાંઈ ભેદ નથી. કેવળજ્ઞાન જેવી મોટી
જ્ઞાનપર્યાય હો, કે મતિશ્રુતજ્ઞાન જેવી નાની જ્ઞાનપર્યાય હો, તે બધી પર્યાયો અંતરમાં
અભેદ થઈને એક જ્ઞાનસ્વભાવપણે જ પોતાને પ્રસિદ્ધ કરે છે, એટલે એક નિજપદને જ
તે અભિનંદે છે, તેને ભેદતી નથી. આ રીતે જ્ઞાનસ્વભાવની અનુભૂતિમાં કોઈ ભેદ
રહેતા નથી, એક ચૈતન્યસ્વાદથી ભરેલા નિજપદસ્વરૂપે જ ભગવાન આત્મા પ્રસિદ્ધ થાય
છે. અહો, આવા જ્ઞાનસ્વરૂપ નિજપદને હે જીવો! તમે દેખો! દુનિયાના લોકો આ પદને
પામે કે ન પામે, પણ હે મોક્ષાર્થી! તું જો તારા આત્માના સુખને અનુભવવા ચાહતો હો
તો, લોકની દરકાર છોડીને તારા આવા જ્ઞાનમય નિજપદને અનુભવમાં લે. આ
જ્ઞાનસ્વરૂપના અનુભવથી જ તને ઉત્તમ સુખ થશે.
આત્મધર્મના ચાલુ સાલના ગ્રાહકોને
‘વીતરાગવિજ્ઞાન’ (છ ઢાળા પ્રવચન ત્રીજો ભાગ) ભેટ
આપવામાં આવેલ છે. વૈશાખ સુદ બીજ સુધી જ આ પુસ્તક
ભેટ અપાશે. તો આપનું ભેટપુસ્તક (રૂબરૂમાં, અગર ૩૦
પૈસાનું પોસ્ટેજ ખર્ચ મોકલીને) મેળવી લેવા સૂચના છે.
વૈશાખ સુદ બીજ સુધીમાં ગ્રાહક થનારને ભેટપુસ્તક મળશે.
આ ઉપરાંત બીજું ભેટ પુસ્તક પણ તૈયાર થાય છે.
(વૈશાખથી આસો સુધીના અંકોનું લવાજમા બે રૂપિયા છે.)
શ્રી જૈન સ્વાધ્યાયમંદિર ટ્રસ્ટ,
સોનગઢ (સૌરાષ્ટ્ર)