Atmadharma magazine - Ank 354
(Year 30 - Vir Nirvana Samvat 2499, A.D. 1973).

< Previous Page   Next Page >


PDF/HTML Page 13 of 53

background image
: ૧૦ : આત્મધર્મ : ચૈત્ર : ૨૪૯૯
પવિત્ર જ્ઞાનગંગાની આનંદમય ધારા ધર્મીને કદી તૂટે નહિ, જ્ઞાનધારા કદી સુકાય નહિ;
શરીરાદિની સ્થિતિ ગમે તે હો, સંયોગ ગમે તે હો, રાગાદિ હો–પણ સ્વભાવને
અવલંબતી આનંદમય જ્ઞાનધારાનો અચ્છિન્ન પ્રવાહ ધર્મીને કદી તૂટતો નથી સાદિ–
અનંતકાળની જ્ઞાનધારામાં વચ્ચે વિકારનો–અજ્ઞાનનો અવસર જ નથી.
પહેલાંં અનાદિના અજ્ઞાનમાં મિથ્યાદ્રષ્ટિને વિકલ્પની ધારા અચ્છિન્ન હતી,
અનાદિથી તેમાં કદી ભંગ પડ્યો ન હતો; હવે ભેદજ્ઞાન થતાં તે ધારા તો તૂટી, ને અપૂર્વ
જ્ઞાનધારા શરૂ થઈ. શુદ્ધઆત્માના અનુભવથી જે જ્ઞાનધારા પ્રગટી તે ચૈતન્ય –
પાતાળમાંથી એવી ઊછળી છે કે હવે સાદિ–અનંતકાળ તેમાં કદી ભંગ નહીં પડે, વચ્ચે
અજ્ઞાન આવ્યા વગર અછિન્નધારાએ કેવળજ્ઞાન થશે.
આ તો અંદર અનુભવ કરીને અંદર જ સમાવાનું છે.
અહા જુઓ તો ખરા! આ ચૈતન્યનું પરાક્રમ! ચૈતન્યધારા અંતરના પાતાળમાંથી
મિથ્યાત્વને તોડીને ઉલ્લસી, તે ચૈતન્યધારા હવે પરભાવના કોઈ અંશને પોતામાં આવવા
ન દ્યે, એટલે પરભાવથી રહિત શુદ્ધપણે જ આત્માને અનુભવતી થકી, વિભાવ
પરિણતિને તોડીને પોતે કેવળજ્ઞાનરૂપે થઈને પરમ શુદ્ધ આત્માને પ્રાપ્ત કરે છે.
અહો! ચૈતન્યના અનુભવની અપાર તાકાત! તેના મહિમાની જગતને ખબર
નથી. બાપુ! વચનાતીત અનુભવની વાત વાણીમાં તો કેટલી આવે? અનુભવગમ્ય
વસ્તુને પોતે અનુભવમાં લ્યે ત્યારે તેની ગંભીરતાનો ખ્યાલ આવે. આત્માનો સ્વભાવ
જ એવો છે કે એમાં એકાગ્ર થઈને પરિણમતાં શુદ્ધપરિણતિરૂપે તેનો ઉત્પાદ થયા જ કરે
છે. ભાવનો અભાવ, ને અભાવનો ભાવ–એમ શુદ્ધપરિણતિ તેને થયા જ કરે છે. અહા,
આ તો અંદરમાં અનુભવ કરીને અંદર જ સમાવાની વસ્તુ છે; આ કાંઈ બહારમાં
બીજાને બતાવવાની કે વાદવિવાદમાં ઊતરવાથી પાર પડે તેવી વસ્તુ નથી. અંદરમાં પોતે
પોતાનું કરી લેવાની વાત છે. પોતાનું સાચું તત્ત્વ પ્રાપ્ત કરીને પોતાને શાંતિ અને તૃપ્તિ
થાય તે જ પ્રયોજન છે.
અરે જીવ! એકવાર કોઈપણ રીતે, પરમ પુરુષાર્થ કરીને આત્માને શુદ્ધપણે
અનુભવમાં લઈને જ્ઞાનધારા પ્રગટાવ. અનુભવી ગુરુઓએ જે માર્ગ બતાવ્યો તે માર્ગે
પરમ પુરુષાર્થ વડે અંદર ઊતરીને, રાગ સાથે એકતાની અજ્ઞાનધારાને તોડ અને
જ્ઞાનધારાવડે ચૈતન્યની શુદ્ધતારૂપ આનંદનું વેદન કર.