: ૧૨ : આત્મધર્મ : વૈશાખ : ૨૪૯૯
તેનાથી રહિત શુદ્ધ પરમાત્મસ્વરૂપ છું.–એમ ધર્મી અનુભવે છે. આવો અનુભવ તે જ
વીરનો માર્ગ છે. વીરમાર્ગમાં પરમાત્માનો પોકાર છે કે હે જીવો! તમારા પોતાના
પરમાત્મસ્વભાવના આશ્રયે જ તમને સમ્યગ્દર્શન વગેરે થાય છે, એ સિવાય બીજા
કોઈના આશ્રયે કદી સમ્યગ્દર્શનાદિ થતાં નથી. વીરનો માર્ગ એટલે સિદ્ધિનો માર્ગ
આત્માના જ આશ્રયે છે, કોઈ પરના આશ્રયે વીરનો માર્ગ નથી, કોઈ પરના આશ્રયે
થતો ભાવ સિદ્ધિનું કારણ નથી.–અહો, આવા સુંદર વીરમાર્ગને મહા ભાગ્યે પામીને હે
જીવો! તમે આત્માના પરમાનંદને પામો.
આ તો સિદ્ધપ્રભુના દેશમાં જઈને વસવાની વાત છે. લોકોને પરદેશમાં જવાની
વાત ગમે છે–પણ આ તો સ્વદેશમાં રહીને સાચા સુખી થવાની વાત છે. સિદ્ધદશા તે જ
આત્માનો સાચો સ્વદેશ છે, તેમાં આત્માનો સાચો વૈભવ છે, તેમાં જ પરમસુખ છે.
અહો! અમારા શ્રીગુરુઓએ પ્રસન્ન થઈને અમને આવો અદ્ભુત વૈભવ બતાવ્યો.–આમ
પરમગુરુના પ્રસાદથી ‘પરમાગમના અભ્યાસ વડે’ એટલે પરમાગમે દેખાડેલા
જ્ઞાનસ્વરૂપના અભ્યાસવડે વૈરાગ્યવંત આસન્નભવ્ય જીવો સિદ્ધક્ષેત્રને પામ્યા....પોતાના
અસંખ્ય પ્રદેશમાં સિદ્ધદશાના મહાઆનંદરૂપે પરિણમ્યા, કેવળજ્ઞાનાદિ આઠ મહાગુણોના
વૈભવથી આનંદમય થયા; – એવો આનંદમય વૈભવ જગતના દરેક જીવોમાં છે–એમ
વીર ભગવાને બતાવ્યું છે; ને ભગવાને કહેલી આ વિધિથી તે આનંદમય સિદ્ધપદ સધાય
છે. હે જીવો! વીરશાસનમાં તમે આવા આનંદમય સિદ્ધપદને સાધો....આજે જ સાધો.
• ધર્માત્માનો સંગ •
સત્સંગનું વિધાન કરતાં ભગવાનશ્રી કુંદકુંદાચાર્યદેવ કહે છે કે:
લૌકિકજનના સંગથી સંયત પણ અસંયત થાય છે; તેથી જો શ્રમણ
દુઃખથી પરિમુક્ત થવા ઈચ્છતો હોય તો તે સમાન ગુણવાળા શ્રમણના
અથવા અધિક ગુણવાળા શ્રમણના સંગમાં નિત્ય વસો–
તેથી શ્રમણને હોય જો દુઃખમુક્તિ કેરી ભાવના.
તો નિત્ય વસવું સમાન અગર વિશેષ ગુણીના સંગમાં. (૨૭૦)
અહા, મુનિઓને સંબોધીને પણ આ સત્સંગનો ઉપદેશ છે, તો
બીજા જિજ્ઞાસુઓની તો શી વાત! તેણે તો આત્માર્થ સાધવા માટે જરૂર
ધર્માત્મા–ગુણીજનોના સત્સંગમાં રહેવું આવશ્યક છે.