: ૨૪ : આત્મધર્મ : વૈશાખ : ૨૪૯૯
તો દાનમાં શૂરવીર છો, માટે આ કબુતર મને દાનમાં આપી દો; તેનું માંસ ખાઈને મારી
ભૂખ મટાડીશ જો નહિ આપો તો ભૂખના દુઃખથી અહીં જ હું મરી જઈશ.
કબુતર ભયથી ધ્રુજી રહ્યું હતું....ને પોતાને બચાવવા માટે દીનતાથી રાજા સામે
જોઈ રહ્યું હતું. રાજા મેઘરથની સાથે તેના નાના ભાઈ દ્રઢરથ પણ બેઠા હતા. આ દ્રશ્ય
જોઈને તેણે પોતાના મોટાભાઈને પૂછયું–હે પૂજ્ય! આ બંનેને પૂર્વ ભવનું કોઈ વેર છે,
કે માત્ર જાતિવેર છે?
ત્યારે મેઘરથે પોતાના અવધિજ્ઞાનવડે તેમના પૂર્વભવ જાણીને કહ્યું કે આ બંને
જીવો પૂર્વભવમાં વણિકપુત્રો હતા, બંને ભાઈ હતા, ધનના લોભી હતા; ધનના તીવ્ર
લોભથી એકવાર લડવા લાગ્યા, ને બંનેએ એકબીજાને મારી નાંખ્યા. કુમાર્ગગામી એવા
તે બંને ભાઈઓ મરીને અત્યંત દુઃખી એવા આ બે પક્ષી (ગીધ અને કબુતર) થયા
છે.–પણ હવે તેમના ઉદ્ધારનો પ્રસંગ નજીક આવ્યો છે.
આમ વાત ચાલતી હતી, એવામાં ત્યાં એક દેવ આવ્યો. તેને દેખીને દ્રઢરથે
પૂછયું–હે પૂજ્ય બંધુ! આ કોણ છે? અહીં કેમ આવ્યા છે?
મેઘરથે કહ્યું–બંધુ! તે એક હલકો જ્યોતિષી દેવ છે. પૂર્વભવે તેણે અજ્ઞાનપૂર્વક
મિથ્યામાર્ગમાં તપ કર્યો, તેથી તે હલકો દેવ થયો છે. એકવાર તે ઈશાનસ્વર્ગમાં ઈંદ્રસભા
જોવા ગયેલો, તે વખતે ત્યાં ઈંદ્રસભામાં મારી પ્રશંસા સાંભળીને તે મને જોવા અને
પરીક્ષા કરવા આવ્યો છે. અને તે માટે આ ગીધ તથા કબુતરનો પ્રસંગ પણ તેણે જ
ઊભો કર્યો છે. (એમ કહીને તે દેવના પૂર્વભવની વાત કરી.)
ગીધ ભૂખથી તરફડતું કબુતર માંગી રહ્યું હતું, તેણે કહ્યું–હે રાજન્! તારે
કબુતરની રક્ષા કરવી હોય તો તેના ભારોભાર માંસ તું મને આપ! તારે બીજા જીવને
ન હણવો હોય તો તારા શરીરમાંથી તેટલું માંસ કાપીને મને આપ–માંસ જ મારો
ખોરાક છે, તેના વગર હું મરી જઈશ.
ત્યારે રાજા મેઘરથ કહે છે કે હે ગીધ! માંસભક્ષણ એ મહા પાપ છે. અને માંસનું
દાન દેવું તે પણ મહા પાપ છે. માંસ એ કાંઈ દાનમાં દેવાયોગ્ય વસ્તુ નથી. માંસભક્ષી
જીવ દાનને માટે પાત્ર નથી. માંસ ભલે પોતાના શરીરનું હોય – તોપણ તે દાન દેવાને
યોગ્ય વસ્તુ નથી.