ધર્માત્મા સ્વભાવથી જ નિઃશંક અને નિર્ભય છે.....અવિનાશી જ્ઞાન–આનંદપણે જ
પોતાને અનુભવતા–અનુભવતા તે મોક્ષના માર્ગમાં અચલપણે–નિર્ભયપણે
ચાલ્યા જાય છે. આવા ધર્માત્માના પંથ છે.–તેમાં વચ્ચે વિઘ્ન નથી, ભય નથી.
ગાથા ૨૨૯ ઉપરના પ્રવચનમાં ધર્મીજીવની અદ્ભુત દશાનો મહિમા સમજાવતાં
ગુરુદેવે કહ્યું કે, ધર્મી જાણે છે કે જ્ઞાયકભાવસ્વરૂપ એવો હું તો આનંદમય
અનુભૂતિનો નાથ છું. આવા જ્ઞાયકભાવની અનુભૂતિમાં શંકાદિ સર્વ પરભાવોનો
અભાવ છે, તેથી સમ્યગ્દ્રષ્ટિ–ધર્માત્માની અનુભૂતિ શંકાદિ દોષથી રહિત છે; તે તો
જ્ઞાયકભાવમય છે. આવા જ્ઞાનમયભાવમાં કર્મબંધની શંકા જ્ઞાનીને કેવી?
જ્ઞાનભાવમાં બંધન કેવું? અહો, શુદ્ધાત્માની આનંદમય અનુભૂતિ થઈ,
સમ્યગ્દર્શન થયું, જ્ઞાનભાવ પ્રગટ્યો, એમ અનંતગુણોની નિર્મળ અનુભૂતિનો જે
રસ પ્રગટ્યો તેમાં રાગ–દ્વેષ–મોહરૂપ કોઈ વિભાવ છે જ નહીં, એટલે શંકા નથી;
મારો જ્ઞાન ભાવ રાગરૂપ થઈ જશે કે તેમાં કર્મબંધ થશે, કે તેમાં કોઈ દુઃખ–
પ્રતિકૂળતા આવી પડશે,–એવી કોઈ શંકા ધર્માત્માને હોતી નથી. મારું જ્ઞાનસ્વરૂપ
શાશ્વ આનંદમય છે એમ તે નિઃશંક જાણે છે. રાગ વગરની ચૈતન્યવસ્તુને
અનુભવે અને વળી રાગાદિ બંધભાવ પોતામાં હોવાની શંકા પણ રહે–એમ બનતું
નથી. ધર્મની શરૂઆત થઈ ત્યાં જ રાગાદિનો સંબંધ તોડી નાંખ્યો છે ને એકલા
પરમ જ્ઞાયકસ્વભાવમાં જ એકતા કરી છે. જ્ઞાનસ્વરૂપ આત્મા પરભાવોથી રહિત
અંદર શ્રદ્ધા–જ્ઞાન–અનુભવમાં આવવો તે મોક્ષનું બીજ છે; અને આત્માનો
સ્વભાવ પરભાવોથી રહિત હોવા છતાં તે પરભાવોથી સંયુક્ત પ્રતિભાવસવો–તે
મિથ્યાપ્રતિભાસ અજ્ઞાનીઓને ભવનું બીજ છે–દુઃખનું બીજ છે. પરભાવ હોવા
છતાં ધર્મીને શંકા નથી પડતી કે મારો ચેતનસ્વભાવ આ પરભાવરૂપ થઈ ગયો!
તે તો પોતાને ચેતનાભાવરૂપે–આનંદભાવરૂપે પરભાવોથી છૂટો ને છૂટો નિરંતર
દેખે છે–અનુભવે છે. આવી દશાને લીધે ધર્મી જીવ સદાય નિઃશંક અને નિભય
હોય છે.