: ૩૮ : આત્મધર્મ : વૈશાખ : ૨૪૯૯
૩૯. મુમુક્ષુને આરાધના પ્રત્યે પરમ ઉત્સાહ હોય છે. રત્નત્રયના આરાધક
જીવો પ્રત્યે તેને પરમ વાત્સલ્ય અને બહુમાન હોય છે. જગતમાં
આરાધનાથી ઊંચું બીજું કાંઈ નથી. આમ જાણીને હે જીવ! તારા
ઉપયોગને આરાધનામાં જોડ.
૪૦. ભગવાનની વાણીમાં સ્વાશ્રયના પુરુષાર્થનો ઉપદેશ આવ્યો. ભગવાન
સ્વાશ્રય કરીને અરિહંત થયા.....ને વાણીમાં પણ એ જ માર્ગનો ઉપદેશ
નીકળ્યો કે હે જીવો! અંતર્મુખ થઈને સ્વભાવનો આશ્રય કરો.....એ જ
એક મોક્ષનો પંથ છે.
૪૧. આચાર્યદેવ પ્રમોદથી કહે છે કે અહો તીર્થંકરોએ આદરેલો ને તીર્થંકરોએ
બતાવેલો આ એક જ સ્વાશ્રિત મોક્ષમાર્ગ છે, બીજો કોઈ માર્ગ
નથી....આવા સ્વાશ્રિત મોક્ષપંથને નમસ્કાર હો..... અમેય આવા
મોક્ષમાર્ગને સાધી રહ્યા છીએ.
૪૨. અહો, એ ભગવંતોને અને એમણે બતાવેલા આ સ્વાશ્રિત મોક્ષમાર્ગને
નમસ્કાર હો,–આમ કહીને સ્વાશ્રિત માર્ગનો પ્રમોદ પ્રસિદ્ધ કર્યો છે.
૪૩. ભાઈ, પહેલાંં નિર્ણય તો કર કે આવો એક જ મોક્ષમાર્ગ છે, ને બીજો
કોઈ માર્ગ નથી. માર્ગનો નિર્ણય કરીશ તો તે માર્ગે જવાશે; નિર્ણય વગર
કયા માર્ગે જઈશ?
૪૪. મોહનો ક્ષય કરવાનો એક જ પ્રકાર છે કે શુદ્ધદ્રવ્ય–ગુણ–પર્યાયનો નિર્ણય
કરીને આત્મામાં એકાગ્ર થવું. બધાય તીર્થંકરો આ એક જ પ્રકારથી
મોહનો ક્ષય કરીને પરમાત્મા થયા છે ને આ એક જ પ્રકાર તેમની
વાણીમાં ઉપદેશ્યો છે. આવા માર્ગનો નિશ્ચય કરીને આચાર્ય કહે છે કે
અહો, આવા માર્ગને નમસ્કાર હો! તીર્થંકરોને નમસ્કાર હો.
૪પ. મોક્ષાર્થીને સ્વાશ્રયનો ઉમંગ છે, રાગનો ઉમંગ નથી. છૂટકારાનો અર્થી
બંધભાવનો ઉત્સાહ કેમ કરે? તેના ઉત્સાહનો પ્રવાહ સ્વભાવ તરફ વળી
ગયો છે. સ્વભાવ તરફ તેને સંવેગ થયો છે ને પરભાવથી તેની પરિણતિ
નિર્વેદને પામી છે.
૪૬. પોતાને જે શુદ્ધોપયોગ પરિણતિ પ્રગટી તેનો પ્રમોદ આવતાં, તેના
નિમિત્ત રૂપ શબ્દબ્રહ્મ (–જિનવાણી) પ્રત્યે ભક્તિથી કહે છે કે વાહ!
આવું સ્વરૂપ દર્શાવનારી જિનવાણી જયવંત વર્તો!–આ શુદ્ધોપયોગ
જયવંત વર્તો!
૪૭. મોક્ષાર્થીને એક જ મનોરથ છે કે મારો આત્મા શુદ્ધોપયોગરૂપ પરિણમે.