: ૪૨ : આત્મધર્મ : વૈશાખ : ૨૪૯૯
૭૩. અહા! આવો અવસર મળ્યો.....સંતોએ અતીન્દ્રિય આનંદની વાર્તા
સંભળાવી, તે સાંભળીને મુમુક્ષુને તેનો ઉલ્લાસ આવે છે. અરે, આવા
જ્ઞાન–આનંદની ભાવના ભાવતાં પણ દેહની વેદનાઓ ભૂલાઈ જાય છે ને
પરિણામ જગતથી ઉદાસ થઈને ચૈતન્ય તરફ વળે છે. પૂર્ણ સાધ્યનો સ્વીકાર
થતાં સાધકભાવ શરૂ થાય છે.
૭૪. ભાઈ, પૂર્ણ સાધ્ય એવું કેવળજ્ઞાન–કે જે પરમ અતીન્દ્રિય આનંદથી ભરેલું
છે–તેને તું બહુમાનથી નિર્ણયમાં તો લે. એ પૂર્ણ સાધ્યને પ્રતીતમાં લેતાં
સંસાર આખાનો (જડ ઈન્દ્રિયોનો, રાગનો ને ઈંદ્રિયો તરફના જ્ઞાનનોય)
મહિમા ઊડી જશે ને આત્માધીપણે તને આનંદકારી મોક્ષમાર્ગ પ્રગટશે.
૭પ. દિવ્યજ્ઞાન ને આનંદ જેમણે નિર્વિઘ્નપણે ખીલી ગયાં છે એવા ભગવાન
અરિહંતના આત્માને ઓળખે તેને આત્માના અચિંત્ય સામર્થ્યની ખબર
પડે, તેને જ્ઞાનનો અનુભવ થાય, તેને સમ્યગ્દર્શન થાય, ને
કેવળીભગવાનના જ્ઞાન ને આનંદનો નમૂનો લેતો લેતો તે મોક્ષના પંથે
જાય.
૭૬. આત્માના મહા આનંદનો લાભ તે મોક્ષ છે. આત્મા પોતે અતીન્દ્રિય
આનંદસ્વરૂપ તો છે જ,–તેની અંતર્મુખ થઈને પર્યાયમાં તે આનંદરૂપ
પરિણમે એટલે આનંદનું સાક્ષાત્ વેદન થાય તે મહા આનંદનો લાભ છે, તે
સાક્ષાત્ મોક્ષ છે, તે મુમુક્ષુએ કરવા જેવું કાર્ય છે.
૭૭. મોક્ષને પામનારા ભગવંતોએ ભવ્ય જીવોને એમ કહ્યું છે કે શુદ્ધ રત્નત્રયરૂપ
થયેલો આત્મા તે જ પોતે અભેદપણે મોક્ષમાર્ગ છે. તેનાથી જુદા કોઈ
સમ્યગ્દર્શન જ્ઞાન–ચારિત્ર નથી. જેણે અંતર્મુખ થઈને આવા સુંદર માર્ગને
પ્રાપ્ત કર્યો તે જીવ અલ્પકાળે મોક્ષ પામે છે, ને ફરીને માતાના ઉદરમાં
આવતો નથી.
૭૮. અહા, મોક્ષ અને તેનો માર્ગ–બંને અતીન્દ્રિય આનંદરૂપ છે. આનંદનું વેદન
કરતાં– કરતાં મોક્ષ સધાય છે. તેમાં કષ્ટ નથી, દુઃખ નથી. સમ્યગ્દર્શનમાં
ચૈતન્યના અતીન્દ્રિય આનંદનો એક અંશ અનુભવમાં આવ્યો, તે આનંદ
પાસે ત્રણ લોકના ઈન્દ્રિયવૈભવો સર્વથા નિઃસાર લાગે છે. ચૈતન્ય–સુખના
કણિયા પાસે ઈંદ્રિપદની વિભૂતિની પણ કાંઈ કિંમત નથી, તો મુનિદશામાં
વીતરાગી ચારિત્રના મહા આનંદની શી વાત? આવા આનંદમય
સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર પરિણતિ તે મોક્ષરૂપ મહા આનંદનો ઉપાય છે.
આત્માનો આખો સ્વભાવ આનંદમય છે, તે પોતે આનંદરૂપે પ્રગટે છે.