: વૈશાખ : ૨૪૯૯ આત્મધર્મ : ૪૩ :
૭૯. અરે, આવા મહા આનંદનો લાભ લેવા કોને ભાવના ન હોય?
આત્માનો પરમ આનંદ–તેમાં બીજા કોઈની અપેક્ષા નથી. આવો
નિરપેક્ષ આનંદમાર્ગ બતાવીને સંતોએ અપૂર્વ કરુણા કરી છે, અરે
જીવો! એકવાર કુતૂહલ કરીને અંદર જોવા તો આવો.
૮૦. વીતરાગી સંતો જેના આટલા–આટલા વખાણ કરે છે, આટલો પરમ
એકવાર દેખો તો ખરા! એને દેખતાં મહા આનંદ થશે. એમાં ડોકિયું
કરતાં તને એવી શાંતિ અનુભવાશે કે જેમાં સંસારના દુઃખની ગંધ પણ
નહીં રહે. અરે, એકવાર આ ચૈતન્યના નિર્વિકલ્પરસ પીવા તો અંદરમાં
આવ. જીવનના સાચા લ્હાવા તો આમાં છે.
૮૧. અનુપચાર–અભેદ રત્નત્રયપરિણતિસ્વરૂપ આત્મા તે પોતે ખરેખર
મોક્ષનો માર્ગ છે; ને તે જ મહા આનંદના લાભરૂપ મોક્ષને પામે છે.
વીતરાગમાર્ગમાં ભગવંતોએ આવો સુંદર આનંદમાર્ગ પ્રકાશ્યો છે.
અહો, આત્મા પ્રસન્ન થઈ જાય ને રત્નત્રયથી ખીલી ઊઠે–એવો સુંદર
આ માર્ગ છે.
૮૨. અહા, એકવાર વિશ્વાસ લાવ કે હું મારા જ્ઞાનથી જ જણાઉં–એવો મારો
સ્વભાવ છે, રાગવડે જણાઉં એવો હું નથી; સ્વભાવને પ્રત્યક્ષ કરવાની
તાકાત મારા જ્ઞાનમાં છે.–એ તાકાત રાગમાં નથી. રાગ વગર,
અંતર્મુખ જ્ઞાનવડે હું મારા સ્વભાવને આનંદથી પ્રત્યક્ષ કરીને, અનંત
સિદ્ધભગવંતોની નાતમાં બેઠો છું.–આમ જેણે મહા આનંદમય ચૈતન્યની
કુંખ સેવી તે ભવ્ય જીવ સંસારમાં માતાની કુંખે ફરી અવતરતો નથી.
અરે, ચૈતન્યપ્રભુના પડખાં જેણે સેવ્યા તેને હવે ચોરાસીના ચક્કર
કેવા? જે આત્મા પોતે જ આનંદરૂપ થઈ ગયો તેને હવે દુઃખ કેવા? ને
ભવભ્રમણ કેવું? તે તો આનંદને વેદતો–વેદતો મહા આનંદના માર્ગે
ચાલ્યો. વીતરાગમાર્ગમાં નિર્ભય સિંહની જેમ તે વિચરે છે.
૮૩. પરમાનંદરૂપ આત્માને પ્રકાશનારાં પરમાગમ તે પણ લલિત છે–સુંદર
છે–આનંદના કારણ છે. સહજ આનંદની પુષ્ટિ તે પરમાગમનો સાર છે.
આવા આનંદદાયી પરમાગમ જયવંત વર્તે છે.... પરમાગમે પ્રસિદ્ધ
કરેલો આનંદમય આત્મા જયવંત વર્તે છે.