: ૪૮ : આત્મધર્મ : વૈશાખ : ૨૪૯૯
આત્મા કેવો છે?
આત્મા જ્ઞાનસ્વભાવ જ છે; ‘જ્ઞાનસ્વભાવ’ માં રાગાદિ ન આવે, જ્ઞાનસ્વભાવમાં
ઈન્દ્રિય કે મનનું અવલંબન ન આવે, એટલે જ્યાં ‘હું જ્ઞાનસ્વભાવ’ એમ
આત્માનો નિર્ણય કર્યો ત્યાં શ્રુતનું વલણ ઈન્દ્રિયો અને મનથી તથા રાગથી પાછું
વળીને જ્ઞાનસ્વભાવ તરફ ઝૂકયું. આ રીતે જ્ઞાનસ્વભાવ તરફ ઝૂકતાં જે પ્રત્યક્ષ
સાક્ષાત્ નિર્વિકલ્પ અનુભવ થયો તે જ સમ્યગ્દર્શન છે, તે જ સમ્યગ્જ્ઞાન છે, તે જ
ભગવાન આત્માની પ્રસિદ્ધિ છે. આ સમ્યગ્દર્શન ને સમ્યગ્જ્ઞાન તે આત્માની
પર્યાય છે, તે કાંઈ આત્માથી જુદાં નથી.
જ્ઞાનસ્વભાવના નિર્ણય વડે અનુભવ થાય?
હા; જ્ઞાનસ્વભાવનો સાચો નિર્ણય જીવે કદી કર્યો નથી. ‘ જ્ઞાનના બળે ’ (–નહિ
કે વિકલ્પના બળે) સાચો નિર્ણય કરે તો અનુભવ થયા વગર રહે નહીં. જેના
ફળમાં અનુભવ ન થાય તે નિર્ણય સાચો નહીં. વિકલ્પના કાળે મુમુક્ષુનું જોર તે
વિકલ્પ તરફ નથી પણ ‘ હું જ્ઞાનસ્વભાવ છું ’ એવો નિર્ણય કરવા તરફ જોર છે.
ને એવા જ્ઞાન તરફના જોરે આગળ વધીને જ્ઞાનને અંતરમાં વાળીને અનુભવ
કરતાં વિકલ્પ છૂટી જાય છે, જ્ઞાનનું જ્ઞાનરૂપે પરિણમન થાય છે. તેને આનંદ કહો,
તેને સમ્યગ્દર્શન કહો, તેને મોક્ષમાર્ગ કહો, તેને સમયનો સાર કહો.–આત્માનું બધું
તેમાં સમાય છે.
આત્માનો રસ કેવો છે?
આત્માનો રસ એકલા વિજ્ઞાનરૂપ છે; ધર્મી જીવ વિજ્ઞાનરસના જ રસિલા છે;
રાગનો રસ તે આત્માનો રસ નથી; રાગનો જેને રસ હોય તેને આત્માના વિજ્ઞાન
રસનો સ્વાદ અનુભવમાં ન આવે. રાગથી ભિન્ન એવા વીતરાગ–વિજ્ઞાનરસપણે
આત્મા સ્વાદમાં આવે ત્યારે જ સમ્યગ્દર્શન છે. વિજ્ઞાનરસ કહો કે
અતીન્દ્રિયઆનંદ કહો, સમ્યગ્દર્શનમાં તેનો સ્વાદ અનુભવાય છે.
હું શુદ્ધ છું–એવો જે શુદ્ધનયનો વિકલ્પ–તેમાં અટકવું તે શું છે?
તે મિથ્યાદ્રષ્ટિનો નયપક્ષ છે. સમ્યગ્દર્શન તો તે નયપક્ષથી પાર છે. વિકલ્પની
આકુળતાના અનુભવમાં શુદ્ધઆત્માનો અનુભવ નથી. સમ્યગ્દર્શનમાં
શુદ્ધઆત્માનો નિર્વિકલ્પ અનુભવ છે. શુદ્ધઆત્માનો અનુભવ કરવો તે અંતર્મુખ
ભાવશ્રુતનું કામ છે, તે કાંઈ વિકલ્પનું કામ નથી. વિકલ્પમાં આનંદ નથી, તેમાં તો
આકુળતા ને દુઃખ છે; ભાવશ્રુતમાં આનંદ અને નિરાકુળતા છે.