Atmadharma magazine - Ank 356
(Year 30 - Vir Nirvana Samvat 2499, A.D. 1973).

< Previous Page   Next Page >


PDF/HTML Page 13 of 43

background image
: ૧૦ : આત્મધર્મ જેઠ: ૨૪૯૯ :
(૬) સમ્યગ્દર્શનપૂર્વકની શુદ્ધતાથી કર્મોની નિર્જરા થાય છે.
(૭) આત્માની પૂર્ણ શુદ્ધતા થતાં આકુળતાનો સર્વથા અભાવ થવો ને કર્મોથી
આત્માનું છૂટી જવું તે મોક્ષતત્ત્વ છે. તે પૂર્ણ સુખરૂપ છે.
આ પ્રમાણે સાત તત્ત્વોને ઓળખીને તેમાંથી સમ્યગ્દર્શનાદિ સુખનાં કારણોને
ગ્રહણ કરવાં ને દુઃખના કારણરૂપ મિથ્યાત્વાદિને છોડવાં, તે માટે આ ઉપદેશ છે. આવી
યથાર્થ તત્ત્વશ્રદ્ધા તે સમ્યગ્દર્શન છે, ને સમ્યગ્દર્શન તે મોક્ષનું મૂળ છે.
અજ્ઞાની જીવ બહારની અનુકૂળતાથી પોતાને સુખી માને છે, પણ
સમ્યગ્દર્શન વગર તે દુઃખી જ છે. કીડી સાકર ખાતી હોય તે વખતે દુઃખી છે, માણસ
કેરીનો રસ–રોટલી ને પતરવેલિયાં ખાતો હોય તે વખતેય દુઃખી છે, સ્વર્ગના
મિથ્યાદ્રષ્ટિ દેવો અમૃતનો સ્વાદ લેતા હોય તે વખતે પણ દુઃખને જ વેદી રહ્યા છે;
પણ તે જીવો ભ્રમથી પોતાને સુખી માને છે. અરે ભાઈ, એ તો અશુભ ઈચ્છા છે,
પાપ છે, આકુળતા છે, તેમાં દુઃખનું જ વેદન છે. મોઢામાં કેરીનો રસ પડ્યો હોય તે
વખતે દુઃખનો જ સ્વાદ આવે છે, કેરીનો નહીં. એ તો અશુભની વાત થઈ, પણ
શુભપરિણામ હોય, શુક્લલેશ્યા હોય તે વખતેય અજ્ઞાની જીવો દુઃખી જ છે. જ્યાં
સુખ ભર્યું છે તે વસ્તુની તો તેને ખબર નથી. મોક્ષમાં આકુળતા વગરનું સુખ છે,
ત્યાં કોઈ વિષયોની ઈચ્છા નથી.
‘મોક્ષમાં રસ–રોટલી વગેરે તો નથી!’ પણ શેનાં હોય? ત્યાં ક્યાં આકુળતા છે?
જ્યાં ખાવાની ઈચ્છા જ નથી ત્યાં ખોરાકનું શું કામ છે? જ્યાં આત્મામાંથી જ સુખ
અનુભવાય છે ત્યાં બાહ્ય વિષયોનું શું કામ છે? જ્યાં આત્માના સહજસુખમાં જ
લીનતા છે ત્યાં બાહ્યપદાર્થોની ઈચ્છા કેમ હોય? સુખ તો આત્મામાંથી આવે છે,
કાંઈ બાહ્યવસ્તુમાંથી નથી આવતું. બાહ્ય પદાર્થને ભોગવવા કોણ ઈચ્છે?–કે જે
ઈચ્છાથી દુઃખી હોય તે. જે સ્વયં સુખી હોય તે બીજા પદાર્થને કેમ ઈચ્છે? જે નીરોગ
હોય તે દવાને કેમ ઈચ્છે? મુક્ત જીવોને જગતના બધા પદાર્થોનું જ્ઞાન છે પણ કોઈની
ઈચ્છા નથી; ઈચ્છા નથી માટે દુઃખ નથી, પોતાના ચૈતન્યસુખના વેદનમાં જ તેઓ
લીન છે.–આવી મોક્ષદશાને ઓળખે તો આત્માના સ્વભાવનું જ્ઞાન થઈ જાય,
રાગમાંથી ને વિષયોમાંથી સુખબુદ્ધિ ઊડી જાય ને તેનાથી ભિન્નતાનું ભાન થાય.–
આનું નામ વીતરાગવિજ્ઞાન.
જેને આવું વીતરાગવિજ્ઞાન નથી, વિષયોમાં ને રાગમાં જેને સુખ લાગે છે, તેને