: ૮ : આત્મધર્મ : અષાઢ : ૨૪૯૯
સંપદા મને સહેજે મળશે, પછી બાહ્યસંપદાનું શું કામ છે? અને બાહ્યસંપદા ખાતર જો
પાપકર્મનો આસ્રવ થતો હોય તો એવી બાહ્યસંપદાને મારે શું કરવી છે? હું ભગવાન
આત્મા પોતે બેહદ ચૈતન્યસંપદાનો ભંડાર છું – એમ આત્માનાં સમ્યક્શ્રદ્ધાજ્ઞાનાદિ કર્યાં
તે શ્રાવકનાં રત્નો છે. આવા અચિંત્ય રત્નનો પટારો મારી પાસે છે તો પછી મારે
બહારની જડ–લક્ષ્મીનું શું કામ છે? સમ્યક્ત્વાદિના પ્રતાપે મારા અંતરમાં સુખ–શાંતિરૂપ
સમૃદ્ધિ વર્તે જ છે પછી મારે બીજા કોઈનું શું કામ છે? અને જેને અંતરમાં શાંતિ નથી,
સમ્યગ્દ્રર્શન – જ્ઞાનાદિ રત્નોની સંપદા જેના અંતરમાં નથી, તો બહારની સંપદાના
ઢગલા તેને શું કરશે? સાચી સંપદા તો તે છે કે જેનાથી આત્માને શાંતિ મળે; (જે સંપ–
સુખ દ્યે તે સાચી સંપદા.) એટલે આત્માના સમ્યક્ શ્રદ્ધા–જ્ઞાન–વીતરાગતા તે જ સાચી
સંપદા છે. આવી સંપદાવાળા સુખિયા ધર્માત્મા બહારની અનુકૂળતા – પ્રતિકૂળતા બંનેને
પોતાથી જુદી જાણે છે, એટલે તેને તેમાં હર્ષ – શોક થતો નથી, જ્ઞાન જુદું ને જુદું રહે છે.
અરે જીવ! પાપના ફળમાં તું દુઃખી ન થા, હતાશ ન થઈ જા. તે વખતે પ્રતિકૂળ
સંયોગથી જ્ઞાન જુદું છે તેને ઓળખ. પાપનો ઉદય આવતાં ચારેકોરેથી પ્રતિકૂળતા આવી
પડે – સ્ત્રીપુત્ર મરી જાય, ભયંકર રોગ– પીડા થાય, ધન ચાલ્યું જાય, ઘર બળી જાય,
નાગ કરડે, મહા અપજશ – નિંદા થાય, અરે! નરકનો સંયોગ આવી પડે (શ્રેણીક વગેરે
અસંખ્ય સમ્યગ્દ્રષ્ટિજીવો નરકમાં છે) – એમ એકસાથે હજારો પ્રતિકૂળતા આવે તોપણ
સમ્યગ્દ્રષ્ટિ પોતાના જ્ઞાનસ્વરૂપની શ્રદ્ધાને છોડતો નથી. ભાઈ, એ સંયોગમાં ક્યાં
આત્મા છે? આત્મા તો જુદો છે. ને આત્માનો આનંદ આત્મામાં છે, – પછી સામગ્રીમાં
હર્ષ –શોક શો? તારી સહનશક્તિ ઓછી હોય તોપણ આવા શ્રદ્ધા–જ્ઞાન તો જરૂર
રાખજે, તેનાથી પણ તને ચૈતન્યની અપૂર્વ શાંતિનું વેદન રહેશે.
વળી, જેમ પ્રતિકૂળતાથી જુદાપણું કહ્યું તેમ પુણ્યના ફળમાં ચારેકોરની
અનુકૂળતા હોય – સ્ત્રીપુત્રાદિ સારાં હોય, નીરોગ શરીર હોય, ધનના ઢગલા હોય,
બંગલા – મોટર હોય, ચારેકોર યશ ગવાતા હોય, અરે! દેવલોકમાં ઉત્કૃષ્ટ
સર્વાર્થસિદ્ધિની ઋદ્ધિ હોય, તોપણ તેથી શું? તે સંયોગમાં ક્યાં આત્મા છે? આત્મા તો
જુદો છે; આત્માનો આનંદ આત્મામાં છે – એમ ધર્મી જાણે છે ને તેના જ્ઞાનમાં તેનું જ
વેદન વર્તે છે. પુણ્યફળને કારણે તે પોતાને સુખી માનતા નથી. જેમ કોઈ અરિહંતોને
તીર્થંકરપ્રકૃતિના ઉદયથી સમવસરણાદિનો અદ્ભુત સંયોગ હોય છે, પણ તેને કારણે કાંઈ
તે અરિહંતભગવાન સુખી નથી, તેમનું સુખ તો આત્માના કેવળજ્ઞાનાદિ પરિણમનથી જ
છે, એટલે તે ‘સ્વયંભૂ’ છે, તેમાં કોઈ બીજાની અપેક્ષા નથી; તેમ નીચલી દશામાં પણ
સર્વત્ર સમજવું. સમ્યગ્દ્રષ્ટિ પોતાના શુદ્ધ ચૈતન્યપરિણમનથી જ સુખી છે, પુણ્યથી કે
બાહ્યસંયોગથી નહીં.