Atmadharma magazine - Ank 357
(Year 30 - Vir Nirvana Samvat 2499, A.D. 1973).

< Previous Page   Next Page >


PDF/HTML Page 16 of 41

background image
: અષાઢ : ૨૪૯૯ આત્મધર્મ : ૧૩ :
વેદનસ્વરૂપ છે, તે સુખમાં વિકલ્પનીયે અપેક્ષા ક્્યાં છે? જગતના જડ ચિંતામણિ રત્ન
પાસે તો વસ્તુ માંગવી પડે ત્યારે તે મળે; આ ચૈતન્યમણિ તો માગ્યા વગર (વિકલ્પ
વગર) સ્વયમેવ પોતે જ અનંતસુખનિધાનપણે પરિણમે છે; બીજા કોઈ પદાર્થની
અપેક્ષા તેને નથી. – આવા આત્મચિંતનમાં ધર્મીનું ચિત્ત ચોંટયું છે; દુનિયા ફરે તોપણ
તે હવે ફરે તેમ નથી.
અહા, ચૈતન્યના આનંદનો અતીન્દ્રિયરસ ચાખ્યા પછી હવે દેવોના અમૃતમાં પણ
અમારું ચિત્ત લાગતું નથી. આત્માનું સુખનિધાન અંદર દેખ્યું ત્યાં હવે બીજા કોઈ
પદાર્થથી અમારે શું પ્રયોજન છે? અમારા ચૈતન્યમાં અમારી પરિણતિ પ્રવેશી ગઈ
તેમાંથી છોડાવવા હવે કોઈ સમર્થ નથી. અંદર ચૈતન્યસુખમાં ઘૂસ્યા તે ઘૂસ્યા, હવે
તેમાંથી બહાર આવવાના નથી ને પરભાવમાં – દુઃખમાં જવાના નથી. આનંદ
સ્વભાવને ગ્રહ્યો છે, ને હવે સદાય આનંદરૂપે જ રહીશું.
સ્વર્ગના દેવોને અનાજ વગેરેનો આહાર હોતો નથી, તેઓ તો પોતાના કંઠમાંથી
ઝરતા અમૃતનો જ આહાર લેનારા છે. અમૃતનો સ્વાદ લેનારા દેવોને અનાજનું પણ
પ્રયોજન નથી તો પછી વિષ્ટા વગેરેની તો શી વાત? તેમ અતીન્દ્રિય આનંદના
ચૈતન્યરસથી ભરેલો આ ચૈતન્યદેવ, તેનું જેને ભાન થયું અને સ્વસંવેદનમાં ચૈતન્યરસ
ચાખ્યો, ત્યાં તે ચૈતન્યરસના મહાન વીતરાગી સ્વાદ પાસે જગતના પુણ્ય–પાપના કોઈ
સ્વાદમાં એનું ચિત્ત લાગતું નથી. અહા, જ્ઞાનાત્મક સુખનો સ્વાદ લેનારો આ ચૈતન્યદેવ,
તેને પુણ્યનો રસ પણ ચૈતન્યથી તદ્ન જુદો લાગે છે ત્યાં પાપના રસની તો ક્્યાં વાત?
પુણ્ય–પાપ વગરનો અપૂર્વ ચૈતન્યરસ, તેનો સ્વાદ અજ્ઞાનીઓએ કદી ચાખ્યો નથી, તે
ચૈતન્યસુખની કલ્પના પણ તેઓ કરી શકતા નથી. અહા, એકવાર ચૈતન્યસુખનો સ્વાદ
જેણે ચાખ્યો તેને જગતના કોઈ પદાર્થોમાં કે શુભાશુભ ભાવોમાં રસ રહે નહિ,
ચૈતન્યસુખ સિવાય બીજે ક્્યાંય તેનું ચિત્ત ઠરે નહિ.... ચૈતન્યસુખથી બીજું કોઈ તેને
લલચાવી શકે નહિ.
દેવોનું અમૃત તે તો જડ–પુદ્ગલનો રસ છે, તેમાં કાંઈ ચૈતન્યસુખ નથી; અને
આ તો ચૈતન્યસુખનું અતીન્દ્રિય અમૃત, જેને ચાખ્યા પછી સંસારમાં જન્મ –મરણ ન
રહે. ચૈતન્યના અમૃતરસ પાસે દેવોનું અમૃત પણ સાવ નીરસ છે. ચૈતન્યસુખના
નીરાકુળ અમૃત પાસે પુણ્યના સુકૃત પણ આકુળતારૂપ હોવાથી દુઃખરૂપ લાગે છે; તેથી
ધર્માત્મા–મુનિવરો તેને પણ છોડીને અદ્વિતીય ચૈતન્યસુખમાં લીન થાય છે.
અહા, આત્મામાંથી જ આનંદના અમૃતના ફૂવારા ફૂટે એનું નામ ધર્મ છે.