Atmadharma magazine - Ank 357
(Year 30 - Vir Nirvana Samvat 2499, A.D. 1973).

< Previous Page   Next Page >


PDF/HTML Page 27 of 41

background image
: ૨૪ : આત્મધર્મ : અષાઢ : ૨૪૯૯
ભિન્ન કરવાનું સાધન છે; આ સિવાય બીજા કોઈપણ સાધનનો નિશ્ચયથી અભાવ છે,
એટલે કે જ્ઞાનના અનુભવથી જુદું બીજું કોઈ મોક્ષનું સાધન છે જ નહીં.
પ્રજ્ઞાવડે આત્મા અને બંધ જુદા કેમ થઈ શકે? તો કહે છે કે તેમનો બંનેનો
સ્વભાવ એક નથી પણ બંનેનો સ્વભાવ જુદો જ છે, તેથી ભિન્ન–ભિન્ન લક્ષણોવડે
તેમને જુદા જાણીને જુદા કરી શકાય છે. – આમ અમે જાણીએ છીએ. સૂક્ષ્મ જ્ઞાનવડે,
અંતર્મુખ સ્વસંવેદનજ્ઞાનવડે રાગથી જુદા જ્ઞાનસ્વાદપણે આત્મા અનુભવાય છે.
આચાર્યદેવ કહે છે કે આવો અનુભવ અમે કર્યો છે; ભિન્નપણું થઈ શકે છે તે તને કહીએ
છીએ. જ્ઞાન અને રાગ વચ્ચે મોટો લક્ષણભેદ છે, મોટી સાંધ છે, તેથી સૂક્ષ્મજ્ઞાનવડે
તેમને જુદા જાણી શકાય છે. જ્ઞાન અને રાગને એકતા નથી પણ સ્વભાવથી ભિન્નતા છે,
તેઓ બંને સાંધ વગરના નથી પણ તેમની વચ્ચે સાંધ છે – તીરાડ છે, તેથી તેમની
ભિન્નતાનો અનુભવ સૂક્ષ્મ જ્ઞાનવડે થઈ શકે છે. અહો! આવું અંતરનું ભેદજ્ઞાન
ભગવાન જિનેશ્વરદેવના માર્ગમાં જ છે. અંતરમાં આવું ભેદજ્ઞાન કરે ત્યારે તો હજી
સમ્યગ્દ્રર્શન થાય; – પછી મુનિપણું ને કેવળજ્ઞાન તે તો બહુ ઊંચી ચીજ છે. ભાઈ,
એકવાર આવું ભેદજ્ઞાન કરીને તારા આત્માને જ્ઞાનલક્ષણવડે સર્વે બંધનથી જુદો જાણ...
તો અલ્પકાળમાં બંધનથી તારો છૂટકારો થઈ જશે.
ચૈતન્યભાવ અને રાગાદિભાવ, એ બંનેના સ્વભાવને જુદા ઓળખતાં, જ્ઞાન
અંતરમાં ચૈતન્યસ્વભાવ સાથે જ તન્મય થઈને પરિણમ્યું એટલે તે રાગથી સર્વથા જુદું
પરિણમ્યું, – આનું નામ ભેદજ્ઞાન છે, ને આ જ બંધને છેદનારી સૂક્ષ્મ છીણી છે.
રાગાદિમાં વર્તતું અજ્ઞાન તે તો સ્થૂળ છે, બંધને છેદવાની તાકાત તેનામાં નથી.
રાગથી જુદું ચૈતન્યમાં વર્તતું જ્ઞાન તે અત્યંત સૂક્ષ્મ છે, તે બંધનને આત્માથી સર્વથા જુદું
કરી નાંખે છે; પોતે રાગાદિ બંધભાવોથી છૂટું પડીને આત્માના જ્ઞાનસ્વભાવમાં એકાગ્ર
થાય છે. – આવી જ્ઞાનધારારૂપ ભગવતીપ્રજ્ઞા તે પોતે આનંદમય છે, અને તે જ મોક્ષનું
સાધન છે.