Atmadharma magazine - Ank 357
(Year 30 - Vir Nirvana Samvat 2499, A.D. 1973).

< Previous Page   Next Page >


PDF/HTML Page 29 of 41

background image
: ૨૬ : આત્મધર્મ : અષાઢ : ૨૪૯૯
વર્ણવ્યો છે અરે, કેવળજ્ઞાનના તો મહિમાની શી વાત! – ચોથા ગુણસ્થાનનું જે
સમ્યગ્જ્ઞાન મતિ–શ્રુતરૂપ છે તેનો પણ અપૂર્વ મહિમા છે, તે પરમ આનંદમય અમૃત છે,
તે મોક્ષને સાધનારું છે.
સમ્યગ્દ્રષ્ટિ જીવને સમ્યગ્દ્રર્શન સાથે વર્તતાં સમ્યગ્જ્ઞાનની આ વાત છે. પરને
જાણનારા મતિ–શ્રુતજ્ઞાનમાં ઈન્દ્રિય –મનનું અવલંબન છે, પણ તે મતિ – શ્રુતજ્ઞાન
જ્યારે આત્માની સન્મુખ થઈને નિર્વિકલ્પ સ્વસંવેદન કરે છે ત્યારે તેમાં મન કે
ઈંન્દ્રિયનું આલંબન રહેતું નથી, તેટલા અંશે સ્વસંવેદનમાં તે પણ પ્રત્યક્ષ છે. તત્ત્વાર્થસૂત્ર
વગેરેમાં જ્યાં મતિ–શ્રુતજ્ઞાનને સામાન્યપણે પરોક્ષ કહ્યા છે તેમાં એટલું વિશેષ સમજવું
કે નિર્વિકલ્પ અનુભવદશામાં તો તે જ્ઞાનો સ્વસંવેદન પ્રત્યક્ષ છે, અતીન્દ્રિય છે, મન–
ઈન્દ્રિયના અવલંબન વગરના છે. આવું અતીન્દ્રિય આત્મજ્ઞાન ગૃહસ્થને પણ થાય છે.
પણ જ્ઞાનમાં સ્વસન્મુખ થઈને નિર્વિકલ્પ – સ્વસંવેદનનો કાળ ક્યારેક જ હોય છે. તેથી
તેની વાત મુખ્ય ન કરતાં સામાન્ય વર્ણનમાં મતિ–શ્રુત જ્ઞાનને પરોક્ષ કહેવામાં આવ્યા
છે.
જ્ઞાતા–જ્ઞાન–જ્ઞેયના ભેદના વિકલ્પ રહિત થઈને જ્યારે આત્મા પોતે પોતાના
સ્વરૂપને જ અનુભવે છે – જાણે છે ત્યારે તેને પ્રત્યક્ષ અતીન્દ્રિય જ્ઞાન છે. સમ્યગ્દ્રર્શન
થતી વખતે જ્ઞાનમાં આવું અતીન્દ્રિયપણું થયું ત્યારે તે સમ્યક્ થયું તે જ્ઞાન અતીન્દ્રિય
આનંદના વેદનસહિત છે. એ સિવાયના કાળમાં મતિ–શ્રુતજ્ઞાન પરોક્ષ છે. જેમાં
ઈન્દ્રિયોનું નિમિત્ત હોય તે જ્ઞાનથી તો ઈન્દ્રિયના વિષયભૂત રૂપી પદાર્થો જ જણાય. પણ
કાંઈ અરૂપી આત્મા તેનાથી ન જણાય. ભગવાન ચૈતન્યસૂર્ય પોતે પોતાને પ્રકાશે તેમાં
જડ ઈન્દ્રિયનું નિમિત્ત કેવું? અતીન્દ્રિય જ્ઞાનસ્વરૂપ આત્મવસ્તુ છે તે પ્રત્યક્ષ જ્ઞાતા છે. તે
પોતે ઈન્દ્રિયજ્ઞાનવડે જાણતો નથી, તેમજ ઈન્દ્રિયજ્ઞાનવડે તે જાણવામાં આવે તેવો નથી,
મનના અવલંબને પણ તે જણાય તેવો નથી. મનના અવલંબને તો સ્થૂળ પરવસ્તુ
પરોક્ષ જણાય છે.
આંખ દ્વારા શરીરાદિનું રૂપ દેખાય, પણ આંખ દ્વારા કાંઈ આત્મા ન દેખાય.
જ્ઞાન રાગાદિથી છૂટું પડી, અંતર્મુખ થઈને જ્યારે પોતે પોતાને પકડે છે ત્યારે શાંતિનું
વેદન થાય છે. તે અતીન્દ્રિય શાંતિના વેદનકાળમાં સમ્યગ્દ્રષ્ટિ ગૃહસ્થને ચોથાગુણસ્થાને
પણ જ્ઞાન અતીન્દ્રિય છે તેથી પ્રત્યક્ષ છે. સ્વ તરફ ઝુકેલું જ્ઞાન એકલા આત્મસાપેક્ષ
હોવાથી પ્રત્યક્ષ છે, તેમાં બીજા કોઈનું અવલંબન નથી. –આવા અતીન્દ્રિય જ્ઞાન વડે જ
મોક્ષમાર્ગ શરૂ થાય છે.