Atmadharma magazine - Ank 357
(Year 30 - Vir Nirvana Samvat 2499, A.D. 1973).

< Previous Page   Next Page >


PDF/HTML Page 33 of 41

background image
: ૩૦ : આત્મધર્મ : અષાઢ : ૨૪૯૯
શુદ્ધોપયોગ વડે સ્વરૂપમાં પૂર્ણ લીન થતાં વીતરાગતા અને કેવળજ્ઞાન થયું એટલે
કે તેઓ અરિહંત પરમાત્મા થયા. તે પરમાત્મા દિવ્યશક્તિવાળા કેવળજ્ઞાન વડે
ત્રણલોક–ત્રણકાળને એક સાથે પ્રત્યક્ષ જાણે છે. ‘નમો અરિહંતાણં’ કહેતા આવા
કેવળજ્ઞાનની પ્રતીત સાથે આવવી જોઈએ, તો જ અરિહંતદેવને સાચા નમસ્કાર
થાય. પંચપરમેષ્ઠીમાં અરિહંતભગવાન તથા સિદ્ધભગવાન કેવળજ્ઞાની છે.
સીમંધરભગવાન વગેરે લાખો અરિહંતભગવંતો અત્યારે પણ આ મનુષ્યલોકમાં
વિચરી રહ્યા છે. આવા કેવળજ્ઞાનની પ્રતીત આત્માના જ્ઞાનસ્વભાવની પ્રતીતપૂર્વક
થાય છે. એવું કેવળજ્ઞાન કેમ થાય? – કે સર્વજ્ઞસ્વભાવી આત્માના સમ્યગ્દર્શન–
જ્ઞાનપૂર્વક તેનો અનુભવ કરતાં કરતાં કેવળજ્ઞાન થાય છે, બીજા કોઈ ઉપાયથી
કેવળજ્ઞાન થતું નથી. પહેલાંં સમ્યગ્જ્ઞાન પણ શુભરાગથી નથી થતું પણ રાગ
વગરના આત્માના અનુભવથી જ થાય છે; ને પછી કેવળજ્ઞાન પણ રાગરહિત
આત્માના અનુભવમાં એકાગ્રતારૂપ શુદ્ધપયોગવડે જ થાય છે. – આમ ઓળખે તો
જ કેવળજ્ઞાનને ઓળખ્યું કહેવાય. રાગવડે જ્ઞાન થવાનું માને તેણે કેવળજ્ઞાનને કે
એકકેય જ્ઞાનને ઓળખ્યું નથી; તેણે તો જ્ઞાન અને રાગની ભેળસેળ કરીને
કેવળજ્ઞાનને પણ રાગવાળું માન્યું; કેમકે રાગને કારણ માન્યું તો તેનું કાર્ય પણ
રાગવાળું જ હોય. – પણ જ્ઞાન અને રાગની અત્યંત ભિન્નતા જાણીને
જ્ઞાનસ્વભાવનો અનુભવ કરવો તે જ કેવળજ્ઞાનનું કારણ છે – એમ ધર્મી જીવો
જાણે છે, ને તેઓ જ્ઞાન સાથે રાગની જરાપણ ભેળસેળ કરતા નથી;
વીતરાગવિજ્ઞાનવડે તેઓ કેવળજ્ઞાનને અને મોક્ષસુખને સાધે છે.
ચૈતન્યની અગાધ તાકાતવાળું, અને સર્વથા રાગ વગરનું એવું કેવળજ્ઞાન
છે, તે કેવળજ્ઞાનનો સ્વીકાર રાગવડે થઈ શકતો નથી પણ જ્ઞાનસ્વભાવની
સન્મુખતાથી જ થાય છે. જ્ઞાનસ્વભાવની સન્મુખ થતાં રાગથી જુદો પડ્યો એટલે
પોતામાં ભેદજ્ઞાન થઈને સમ્યગ્જ્ઞાન થયું, ત્યાં સર્વજ્ઞની પણ સાચી ઓળખાણ થઈ.
તે જ્ઞાન સાથે રાગ વગરનું વીતરાગી સુખ પણ ભેગું જ છે. સમ્યક્મતિ–શ્રુતજ્ઞાન
તે રાગથી ભિન્ન કેવળજ્ઞાનની જાતના જ છે, તેઓ કેવળજ્ઞાન સાથે કેલિ કરનારા
છે.
આ પ્રમાણે સમ્યગ્જ્ઞાનનું સ્વરૂપ ઓળખીને તેનું સેવન કરો; કેમકે જગતમાં
સમ્યગ્જ્ઞાન સિવાય બીજું કોઈ જીવને સુખનું કારણ નથી; સમ્યગ્જ્ઞાન જ જન્મ–
મરણનાં દુઃખોને મટાડનારું ને મોક્ષસુખ દેનારું પરમ અમૃત છે.