Atmadharma magazine - Ank 358
(Year 30 - Vir Nirvana Samvat 2499, A.D. 1973).

< Previous Page   Next Page >


PDF/HTML Page 40 of 49

background image
: શ્રાવણ : ૨૪૯૯ આત્મધર્મ : ૩૭ :
પ્રથમ તો જ્ઞાન–સાધકના શ્રુતજ્ઞાનમાં અનંત નયો હોય છે, તથા તેના વિષય
રૂપ અનંત ધર્મો છે. તેમાં કર્તૃનય–અકર્તૃનય વગેરે છે. અને તે નયના વિષયરૂપ ધર્મો
પણ આત્માની પર્યાયમાં વર્તે છે. તેને ધર્મી જાણે છે.–જાણીને પરભાવોથી ભિન્ન
પોતાના શુદ્ધચૈતન્યને પ્રાપ્ત કરે છે.
જેમ રંગારો રંગનો કરનાર છે તેમ કર્તાનયે આત્મા રાગાદિનો કર્તા છે, – એવો
તેનો એક પર્યાયધર્મ છે, તેને ધર્મી જાણે છે. હું અનંત ગુણનો પિંડ શુદ્ધ ચિદાનંદ સ્વભાવ
છું, મારા શુદ્ધ ચૈતન્ય દ્રવ્યમાં રાગનો અંશ પણ નથી એટલે રાગનું કર્તાપણું મારા
સ્વરૂપમાં નથી – આવી અંર્તદ્રષ્ટિપૂર્વક, પર્યાયમાં જે અલ્પ રાગાદિ થાય છે તેને પણ
સાધક જીવ પોતાનું પરિણમન જાણે છે; – તેને પ્રમાણ જ્ઞાનપૂર્વક આ કર્તૃનય હોય છે.
રાગથી ભિન્ન ચિદાનંદ સ્વભાવની દ્રષ્ટિ છોડીને એકલા રાગના કર્તાપણામાં રોકાય તેને
આ કર્તૃનય હોતો નથી.
પરનો કર્તા થાય એવો તો કોઈ ધર્મ આત્મામાં કદી નથી; અને રાગાદિનો
કર્તા થાય એવો કોઈ સ્વભાવ દ્રવ્યમાં કે ગુણમાં નથી, તે તો તે પર્યાયનો તે વખતનો
ધર્મ છે. (એ ખાસ લક્ષમાં રાખવું કે સાધકને પર્યાયમાં એકલું રાગનું કર્તૃત્વ જ નથી
પરંતુ તે જ વખતે પર્યાયમાં જેટલી શુદ્ધતા છે તેટલું રાગનું અકર્તૃત્વ પણ વર્તે છે.)
જીવની પર્યાયમાં જે રાગ થાય છે તેનો કર્તા કોણ? આત્મા પોતે પર્યાયમાં વિકારપણે
પરિણમે છે તેથી આત્માનો જ તે ધર્મ છે, તેનો કર્તા આત્મા છે, પણ જડકર્મ તેનું
કર્તા નથી આ સાધકના નયની વાત છે. સાધકના શ્રુતજ્ઞાનમાં આવા નયો હોય છે.
સિદ્ધભગવાનને રાગ પણ નથી ને નય પણ નથી. જેને હજી પર્યાયમાં રાગ થાય છે
એવો સાધકજીવ કર્તૃનયથી એમ જાણે છે કે આ રાગ થાય છે તેનો કર્તા હું છું; બીજું
કોઈ તેનું કર્તા કે કરાવનાર નથી. તેમજ મારા ત્રિકાળી ચૈતન્યસ્વભાવમાં આ રાગનું
કર્તાપણું નથી, તે પર્યાયમાં જેટલી શુદ્ધતા થઈ છે તેમાં પણ રાગનું કર્તાપણું નથી.–
આમ જાણવું તે અનેકાન્ત છે. એકલું કર્તૃત્વ જ જાણે, ને તે જ વખતે અકર્તૃત્વને ન
જાણે, અથવા સર્વથા અકર્તા જાણે ને પર્યાયમાં જેટલું રાગનું કર્તૃત્વ વર્તે છે તેને ન
જાણે–તો પ્રમાણજ્ઞાન એટલે વસ્તુનું સાચું જ્ઞાન થાય નહિ, ને વસ્તુના સાચા જ્ઞાન
વગર શુદ્ધઆત્માની પ્રાપ્તિ થાય નહીં.