Atmadharma magazine - Ank 358
(Year 30 - Vir Nirvana Samvat 2499, A.D. 1973).

< Previous Page   Next Page >


PDF/HTML Page 9 of 49

background image
: : આત્મધર્મ : શ્રાવણ : ૨૪૯૯
બીજા બધાયથી તો તે જુદું જ હોય છે. કર્તા–કર્મપણું સ્વદ્રવ્યમાં એકમાં જ સમાપ્ત થાય
છે, બહાર જતું નથી. આ નિયમ જગતમાં બધા જીવ તેમજ બધા અજીવ પદાર્થોમાં લાગુ
પાડી લેવો.
જીવ કે અજીવ બધા પદાર્થો–દરેક સમયે પોતાની નિયમિતક્રમવાળી અવસ્થાપણે
પોતે ઊપજે જ છે; નિમિત્તમાં કોઈ અનુકૂળ સંયોગોના ઢગલા હોય, તે કાંઈ આની
જ્ઞાનપર્યાયને ઉપજાવતા નથી, કે કોઈ પ્રતિકૂળ સંયોગોના ગંજ હોય–તે કાંઈ આની
જ્ઞાનપર્યાયની ઉત્પત્તિને રોકી શકતા નથી. ભલે, બંનેની પર્યાયો એક સાથે થાય છતાં
કોઈ એકબીજાના કર્તા નથી. અહો, આ વીતરાગી વિજ્ઞાન છે. આવા વસ્તુસ્વરૂપને
જાણનારું જ્ઞાન રાગથી પણ છૂટું પડી જાય છે ને અંદર જ્ઞાનસ્વભાવનો આશ્રય કરીને
પોતાના જ્ઞાનમય ભાવને જ કરતું થકું મોક્ષમાર્ગ પ્રગટ કરે છે, તે જ્ઞાન પોતે રાગનું
અકર્તા થઈ, રાગથી જુદું થઈ, વીતરાગભાવરૂપ પરિણમે છે ને મોક્ષને સાધે છે. અહા,
જગતમાં કોઈની અપેક્ષા વિના, રાગની – વિકલ્પની પણ અપેક્ષા વિના, મારો
જ્ઞાનસ્વભાવી આત્મા પોતે શુદ્ધ જ્ઞાનાનંદ પરિણામરૂપે તન્મય થઈ પરિણમે છે. – આવી
પ્રતીત સ્વસન્મુખતા વડે જ થઈ શકે છે. સમ્યગ્દ્રર્શન વગર આવી અપૂર્વ પ્રતીત થઈ
શકે નહીં.
મોટરમાં બેઠેલા જીવની ગતિપર્યાયને કાંઈ મોટરના પુદ્ગલો નથી કરતા, તે જીવ
પોતે જ પોતાની તે વખતની તેવી ગતિપર્યાયરૂપે ઊપજતો થકો પોતે જ તેનો કર્તા
થઈને તેમાં તન્મય વર્તે છે ને મોટરના પુદ્ગલોથી જુદો જ વર્તે છે–આમ બંને દ્રવ્યોનું
જુદાપણું સ્પષ્ટ દેખાય છે. છતાં તેમનામાં કર્તા–કર્મપણું માને છે તે અજ્ઞાનીનો ભ્રમ છે.
તે ભ્રમને લીધે તે પરાશ્રયે રાગ–દ્વેષ કરીકરીને દુઃખી થાય છે ને સંસારમાં રખડે છે.
સત્ય વસ્તુસ્વરૂપની સમજણનું ફળ તો સુખ છે.
સુખ તે જીવનો સ્વભાવ છે. તે સુખપર્યાયરૂપે જીવ પોતે પરિણમીને ઊપજે છે.
સુખપર્યાયનો ઉત્પાદક જીવ છે ને સુખપર્યાય તે જીવનું ઉત્પાદ્ય છે; પર સાથે તેને ઉત્પાદ્ય
ઉત્પાદકપણું નથી. પૈસા શરીર વગેરે અજીવ પદાર્થો કાંઈ જીવની સુખપર્યાયના ઉત્પાદક
નથી. સુખસ્વભાવી જીવદ્રવ્ય પોતે પોતાની સુખપર્યાયનું ઉત્પાદક છે,–પોતે તે–રૂપે
પરિણમે છે, તે સુખપરિણામમાં જીવદ્રવ્યને તન્મયપણું છે. આમ સમજે તે પોતાના સુખ
માટે ક્યાંય પરનો આશ્રય ન શોધે, પણ પોતાના સ્વદ્રવ્યના આશ્રયે પોતે જ સુખરૂપે
પરિણમે આનું નામ ધર્મ છે.