: ૧૦ : આત્મધર્મ : ભાદ્રપદ ર૪૯૯ :
હે ભાઈ! જિનશાસનમાં ભગવાને કહેલા આવા સ્વાશ્રિતમાર્ગને તું ઓળખ. અને
આનાથી વિપરીત એવા સમસ્ત પરાશ્રિત ભાવોની શ્રદ્ધા છોડ. રાગ ભલે શુભ હો
તોપણ તે પરાશ્રિત ભાવ છે; આત્માના સ્વભાવના અવલંબને કાંઈ રાગની ઉત્પત્તિ
થતી નથી માટે કહે છે કે અહો! જિનનાથના માર્ગમાં સ્વાધીન–આત્મવશ એવા
વીતરાગભાવથી જ જીવ શોભે છે. સમ્યગ્દર્શનાદિ વીતરાગભાવ વિનાનો જીવ
જિનમાર્ગમાં શોભતો નથી. પરના આશ્રયે કલ્યાણ માનનારા જીવો તો પરવશ છે, તે
પરવશ જીવો તો નોકર જેવા છે, સ્વાધીન જિનમાર્ગમાં તે શોભતા નથી.
મોક્ષનો માર્ગ તો પરની અપેક્ષા વગરનો, અત્યંત નિરપેક્ષ, સંપૂર્ણ અંતર્મુખ છે,
શુદ્ધદ્રવ્યના જ આશ્રયે આનંદમય મોક્ષમાર્ગ છે. હે જીવ! આવા સાચા મોક્ષમાર્ગનું
સ્વરૂપ નક્કી કરીને તું તરત જ સ્વદ્રવ્યમાં અંતર્મુખ થા... ને સ્વદ્રવ્યની અનુભૂતિ કર.
મોક્ષમાર્ગ એટલે સ્વદ્રવ્યની અનુભૂતિ; સ્વદ્રવ્યની અનુભૂતિ તો સ્વદ્રવ્યના જ આશ્રયે
થાય ને! કાંઈ પરના આશ્રયે સ્વદ્રવ્યની અનુભૂતિ થાય? સ્વાશ્રિત સ્વાત્મલબ્ધિરૂપ
આવો મોક્ષમાર્ગ તીર્થંકરોએ સાધ્યો અને વીતરાગ સંતોએ પરમાગમમાં તે માર્ગ પ્રસિદ્ધ
કર્યો છે. – આજે પણ ધર્મીના અંતરમાં તે માર્ગ જયવંત વર્તે છે; ને એવો જીવ ધર્માત્મા–
સંતોની મંડળીમાં શોભે છે.
વાહ, મારો આત્મા જ મારા અનંત સ્વભાવથી પૂરા સામર્થ્યવાળો છે, –તેના જ
અનુભવથી મોક્ષનો પરમ આનંદ સધાય છે. –આમ સ્વદ્રવ્ય તરફ ઝુકીને પોતાના
આત્મામાં જેણે પૂર્ણતા દેખી તે પોતાના સિવાય બીજાનો આશરો કેમ લ્યે? જે બીજાને
આશ્રયે મોક્ષનું સાધન કરવા માંગે છે તેણે પોતાના પૂર્ણ સ્વભાવને જાણ્યો જ નથી.
પોતાના પૂર્ણ સ્વભાવને જે જાણે તે બીજા પાસે ભીખ માગે નહિ, રાગમાં મોક્ષમાર્ગ
માને નહીં. શુદ્ધ આનંદની ઉપલબ્ધિરૂપ મોક્ષ, તેનો ઉપાય શુદ્ધઆત્માના જ અવલંબને
છે, – એમ સ્વાશ્રિત જિનમાર્ગને પામીને હે જીવ! હે ભવ્યશાર્દૂલ! તું શીઘ્ર તારી મતિને
તારા આત્મામાં જોડ. ધર્માત્માઓની મોક્ષમંડળીમાં તો આવા સ્વવશ ધર્માત્માઓ જ
શોભે છે, પરવશ ગુલામ તેમાં શોભતા નથી. અહો, આવો અલૌકિક જિનમાર્ગ! તેની
પ્રાપ્તિથી ધર્માત્મા શોભે છે.
“અવશ” એટલે જે બીજાને વશ નથી, આત્માને જ વશ છે, –તે જીવ મોક્ષ
માટેની આવશ્યક ક્રિયા કરનારો છે. ચૈતન્યતત્ત્વમાં સ્વાધીન દ્રષ્ટિ કરતાં જ
અનંતભવનો અભાય થઈ ગયો; અને પછી તેમાં લીન થતાં તો સાક્ષાત્ અશરીરીપણું
થાય છે.
શુદ્ધોપયોગ વડે આત્મા સ્વયં ધર્મ થયો, ધર્મ થતાં આત્મામાં સર્વત્ર આનંદ