: ભાદ્રપદ ર૪૯૯ : આત્મધર્મ : ૧૧ :
રસ પ્રસરી ગયો. આવી અપૂર્વ સ્વાધીન સુખદશા શુદ્ધોપયોગ વડે જ થાય છે, એ
સિવાય રાગાદિ કોઈ ભાવો વડે આવી દશા થતી નથી. –આવી દશા થતાંવેંત દેહાતીત
ચૈતન્યભાવ અહીં જ અનુભવાય છે, ને તેના ફળમાં દેહાતીત–અશરીરી સિદ્ધપદ પ્રગટે
છે. ધર્માત્મા કહે છે કે અહો! મારા આત્માના આશ્રયે આવો પરમ નિર્વાણમાર્ગ પ્રગટ
કરીને, હું આત્માના કોઈ અદ્ભુત નિર્વિકલ્પ આનંદને અનુભવું છું.
જુઓ, આ ધર્મીના આવશ્યકનું અલૌકિક વર્ણન! આત્મા સિવાય બીજા કોઈને
જે વશ નથી તે અવશ છે; એવા જીવનું જે સ્વાશ્રિત કાર્ય છે તે મોક્ષ માટેનું આવશ્યક
છે. – આ જ યુક્તિથી અને આ જ ઉપાયથી અશરીરી થવાય છે.
અહો, સ્વાશ્રયે જે કાર્ય થાય, જેમાં પરનો આશ્રય ન હોય, તે તો શુદ્ધભાવ જ
હોય, સ્વાશ્રયે કાંઈ રાગની ઉત્પત્તિ ન થાય. શુભરાગ પણ કાંઈ આત્માના આશ્રયે ન
થાય, તે પણ પરના આશ્રયે થાય છે એટલે તે પરવશ ભાવ છે, તે મોક્ષનો ઉપાય નથી.
મોક્ષનો ઉપાય તો આત્માના આશ્રયે થતું શુદ્ધભાવરૂપ કાર્ય જ છે. તેનાથી જ જીવ
અવયવ રહિત શરીરરહિત સિદ્ધપદ પામે છે.
જુઓ, આ સમયસાર તો અશરીરી ચૈતન્યભાવથી ભરેલું છે. આત્માના
ચિદાનંદસ્વભાવના આશ્રયે જે કોઈ સમ્યક્ત્વાદિભાવ પ્રગટ્યા તે બધાય અતીન્દ્રિય
અશરીરી છે.
જે જીવ સ્વહિતમાં લીન હોય તે પોતાના શુદ્ધ જીવાસ્તિકાય સિવાય બીજાને વશ
થાય નહિ, શુભરાગને વશ થાય નહિ, પુણ્યને વશ થાય નહિ, સંયોગને વશ થાય નહિ.
અરે, બહિર્મુખવૃત્તિમાં તો પરની વશતા છે, પરાધીનતામાં તો સુખ ક્યાંથી હોય?
સ્વાધીન ચૈતન્યતત્ત્વ પોતે પોતામાં જ પૂરું છે, તેમાં અંતર્મુખવૃત્તિને જગતમાં બીજા
કોઈની અપેક્ષા નથી, તેમાં જ અતીન્દ્રિય સ્વાધીન સુખ છે, ને તે જ શરીર રહિત
થવાની યુક્તિ છે, તે જ મોક્ષનો ઉપાય છે.
અરે, મોક્ષ માટે આવું કામ કરવા જેવું છે–એમ એકવાર નિર્ણય તો કરો! એવો
નિર્ણય કરતાં પરભાવોથી છૂટો પડીને અંતરના ચૈતન્યસ્વભાવમાં ઉપયોગ વળી જાય
છે, ને સ્વાધીન એવા સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રરૂપ કાર્ય પ્રગટે છે; તે જ મોક્ષ માટેનું
આવશ્યક કાર્ય છે, તે જ મુમુક્ષુએ નિયમથી ચોક્કસ કરવા જેવું કાર્ય છે.
ભાઈ, મોક્ષમાટેનું જરૂરી કાર્ય તારા ચૈતન્યના અસંખ્ય પ્રદેશોમાં જ થાય છે,
બીજે ક્યાંય થતું નથી; તેથી તે તારું સ્વવશ કાર્ય છે, તે અન્ય વશ નથી. સમ્યગ્દર્શન
પણ તારા અસંખ્ય પ્રદેશી ચૈતન્યમાં થાય છે, અતીન્દ્રિયઆનંદ તેમાં પ્રસરેલો છે.