: ભાદ્રપદ ર૪૯૯ : આત્મધર્મ : ૧૫ :
પરમ નૈષ્કર્મ્ય (શુભાશુભ કોઈપણ કર્મથી રહિત) એવા મુનિવરોને પણ
રત્નત્રયની ભક્તિ હોવાનું કહ્યું;–આ ભક્તિ શું રાગવાળી છે? ના; રત્નત્રયની
જેટલી શુદ્ધતા થઈ તેટલી શુદ્ધરત્નત્રયની ભક્તિ છે, તે જ નિર્વાણભક્તિ છે, આ
ભક્તિ અપુનર્ભવ એવા મોક્ષનું કારણ છે. શ્રાવકને પણ સમ્યક્ત્વાદિની જેટલી
શુદ્ધતા છે તેટલી ભક્તિ છે. (૩)
આવી નિર્વાણભક્તિ કોઈ પરના આશ્રયે થતી નથી, બહારમાં બીજા
ભગવાનના આધારે પણ આવી નિર્વાણભક્તિ થતી નથી, પણ અંતરમાં
પોતાના પરમાત્માની સન્મુખ થઈને આવી ભક્તિ થાય છે. સ્વભાવમાં
ઉપયોગને જોડવાથી આવી પરમ ભક્તિ થાય છે. આવી ભક્તિ વડે ઋષભાદિ
જિનવરો નિર્વાણસુખને પામ્યા; માટે તું પણ ઉપયોગને અંતર્મુખ કરીને આવી
શ્રેષ્ઠ ભક્તિ કર. (૪)
શ્રાવક પણ શુદ્ધરત્નત્રયનો ભક્ત છે. સમ્યક્ત્વાદિ વડે જે શુદ્ધ રત્નત્રયની
ભક્તિ કરે છે, તેની આરાધના કરે છે, તે શ્રાવક છે. રત્નત્રયની આવી
આરાધના વગર શ્રાવણપણું કે મુનિપણું હોય નહિ. (પ)
શુદ્ધરત્નત્રયની સેવા–ભક્તિ પોતાના પરમાત્મતત્ત્વની સન્મુખતા વડે થાય છે.
સ્વસન્મુખ થઈને જેણે શુદ્ધરત્નત્રયને સેવ્યા તે જીવ રાગને સેવે નહિ. શુભરાગ
વચ્ચે આવી જાય તેને તે જીવ સેવવા યોગ્ય કે મોક્ષનું કારણ માનતો નથી. રાગ
તે નિર્વાણભક્તિ નથી. (૬)
અહો, જ્ઞાનસ્વરૂપ આત્મા, પોતે જ્ઞાનરૂપ થઈને જ્ઞાનને સેવે તે જ મોક્ષનું કારણ
છે. પોતે જ્ઞાનસ્વરૂપ હોવા છતાં, અજ્ઞાની જ્ઞાનને એકક્ષણ પણ સેવતો નથી.
જ્ઞાનનું સેવન કરે તો મોક્ષમાર્ગ પ્રગટે. (૭)
ગુણ–ગુણી અભેદ કરીને, એટલે કે દ્રવ્ય–પર્યાય અભેદ કરીને જ જ્ઞાનનું સેવન
થાય છે. આવી રીતે જ્ઞાનનું સેવન કર્યું તે તો સાધક થયો, તે અનંત સિદ્ધ
ભગવંતોનો કુટુંબી થયો, તેણે સંસાર સાથે સંબંધ તોડ્યો ને સિદ્ધપદ સાથે
સંબંધ જોડ્યો. (૮)
ભગવંતો જે કરીને નિર્વાણ પામ્યા તેવું પોતામાં કરવું તે જ ખરી નિર્વાણભક્તિ
છે, તે જ મોક્ષગત પુરુષોની ગુણભક્તિ છે. આવી ગુણભક્તિ તો મોક્ષનું કારણ
છે. આવી ગુણભક્તિ રાગવડે થઈ શકતી નથી, સ્વભાવ સન્મુખતા વડે જ
થાય છે. (૯)