Atmadharma magazine - Ank 360
(Year 30 - Vir Nirvana Samvat 2499, A.D. 1973).

< Previous Page   Next Page >


PDF/HTML Page 20 of 45

background image
: આસો ર૪૯૯ : આત્મધર્મ : ૧૭ :
દ્વારકાનગરીને બાળવા લાગ્યો. અગ્નિમાં અનેક પ્રાણીઓ સળગે, તે સળગતા પ્રાણીઓ
અત્યંત કરુણ વિલાપ કરવા લાગ્યા.. કોઈ અમને બચાવો રે બચાવો! આવો કરુણ
ચિત્કાર દ્વારકામાં કદી થયો ન હતો. બાળ–વૃદ્ધ–સ્ત્રી, પશુ ને પંખી બધા અગ્નિમાં બળવા
લાગ્યા... દેવોએ રચેલી દ્વારકાનગરી ભડભડ બળવા લાગી.
અહીં કોઈ પ્રશ્ન કરે કે અરે! આ મહા દ્વારકાપુરી, જેની દેવોએ રચના કરી, અને
અનેક દેવો જેના સહાયક હતા, તે બધા અત્યારે ક્યાં ગયા? કેમ કોઈએ દ્વારકાને
બચાવી નહિ?
તેનું સમાધાન: હે ભાઈ! સર્વજ્ઞ ભગવાને દેખેલી ભવિતવ્યતા દુર્નિવાર છે.
જ્યારે આવું હોનહાર થયું ત્યારે દેવો પણ દૂર થઈ ગયા. જ્યાં ભવિતવ્ય જ એવું ત્યાં
દેવો શું કરે? જો દેવો ન ચાલ્યા જાય ને નગરીની રક્ષા કરે તો તે કેમ સળગે? જ્યાં
નગરી સળગવાનો સમય આવ્યો ત્યાં દેવો ચાલ્યા ગયા. અને બધા લોકો ભયભીત
થઈને બળદેવ–વાસુદેવના શરણે આવીને અતિશય વ્યાકુળતાથી પોકાર કરવા લાગ્યા–હે
નાથ! હે કૃષ્ણ! અમારી રક્ષા કરો, અગ્નિમાંથી અમને બચાવો.
ત્યારે બળભદ્ર અને શ્રીકૃષ્ણ કિલ્લો તોડીને દરિયાના પાણી વડે આગ બુઝાવવા
મથ્યા... પરંતુ રે દેવ! એ પાણી પણ તેલ જેવું થવા લાગ્યું ને તેના વડે ઊલ્ટી વધુ આગ
લાગવા માંડી. ત્યારે આગને ઠારવાનું અસાધ્ય જાણીને તે બંને ભાઈ માતા–પિતાને
નગર બહાર કાઢવાના ઉદ્યમી થયા. રથમાં માતા–પિતાને બેસાડીને ઘોડા જોડયા પણ તે
ન ચાલ્યા; હાથી જોડયા તે પણ ન ચાલ્યા; રથના પૈયા પૃથ્વીમાં ખૂંચી ગયા.. અંતે
હાથી–ઘોડાથી રથ નહિ ચાલે એમ દેખીને તે શ્રીકૃષ્ણ અને બલભદ્ર બંને ભાઈઓ પોતે
રથમાં જુત્યા અને જોર કરીને ખેંચવા લાગ્યા... પરંતુ રથ તો ન ચાલ્યો તે ન જ
ચાલ્યો... એ તો ત્યાં ને ત્યાં જ ખોડાઈ ગયો. જ્યારે બળદેવ જોર કરવા લાગ્યા ત્યારે
નગરીના દરવાજા આપોઆપ બીડાઈ ગયા. બંને ભાઈઓએ પાટુ મારી મારીને દરવાજા
તોડયા, ત્યાં તો આકાશમાંથી દેવવાણી થઈ કે માત્ર તમે બે ભાઈઓ જ દ્વારકામાંથી
નીકળી શકશો, ત્રીજું કોઈ નહિ. માતા–પિતાને પણ તમે નહિ બચાવી શકો.
ત્યારે માતા–પિતાએ ગદ્ગદ્ ભાવે કહ્યું– હે પુત્રો! તમે શીઘ્ર ચાલ્યા જાઓ,
અમારું તો મરણ નક્કી છે; અહીંથી હવે એક પગલું પણ ગમન થઈ શકશે નહિ. માટે
તમે જાઓ... તમે યદુવંશના તિલક છો. તમે જીવશો તો બધું થઈ રહેશે.