Atmadharma magazine - Ank 360
(Year 30 - Vir Nirvana Samvat 2499, A.D. 1973).

< Previous Page   Next Page >


PDF/HTML Page 22 of 45

background image
: આસો ર૪૯૯ : આત્મધર્મ : ૧૯ :
ભાવને લીધે તું સ્વપરને દુઃખદાયી થયો. જે પાપી પરજીવોનો ઘાત કરે છે તે ભવ–
ભવમાં પોતાનો ઘાત કરે છે. જીવ જ્યાં કષાયોને વશ થયો ત્યાં તે પોતાનો ઘાત કરી જ
ચૂક્્યો, –પછી બીજા જીવનો ઘાત તો થાય કે ન થાય, તે તેના પ્રારબ્ધને આધીન છે.
પણ આ જીવે તેનો ઘાત વિચાર્યો ત્યાં તેને જીવહિંસાનું પાપ લાગી ચૂકયું અને તે
આત્મઘાતી થઈ જ ગયો. બીજાને હણવાનો ભાવ કરવો તે તો, ધગધગતો લોખંડનો
ગોળો બીજાને મારવા માટે હાથમાં લેવા જેવું છે, – એટલે સામો તો મરે કે ન મરે પણ
આ તો દાઝે જ છે; તેમ કષાયવશ જીવ પ્રથમ તો પોતે પોતાને જ કષાયઅગ્નિવડે હણે
છે. કોઈને તપ તો નિર્વાણનું કારણ થાય, પરંતુ અજ્ઞાનને લીધે ક્રોધી દ્વીપાયનને તો તપ
પણ દીર્ઘ સંસારનું કારણ થયું. ક્રોધથી પરનું બૂરું કરવા ચાહનાર જીવ પોતે દુઃખની
પરંપરા ભોગવે છે. માટે જીવે ક્ષમાભાવ રાખવો યોગ્ય છે.
ક્રોધથી અંધ થયેલા દ્વીપાયન–તાપસે ભવિતવ્યતા–વશ દ્વારાવતી નગરીને ભસ્મ
કરી, તેમાં કેટલાય બાળકો–વૃદ્ધો–સ્ત્રી–પશુઓ બળી ગયા; અનેક જીવોથી ભરેલી તે
નગરી છ મહિના સુધી સળગતી રહી... અરે, ધિક્કાર આવા ક્રોધને કે જે સ્વ–પરનો
નાશ કરીને સંસાર વધારનારો છે. ક્રોધવશ જીવ સંસારમાં ઘણાં દુઃખો ભોગવે છે.
દ્વીપાયને ભગવાન નેમિનાથના વચનોની શ્રદ્ધાને ઓળંગીને, ભયંકર ક્રોધવડે પોતાનું
બૂરું કર્યું, ને દ્વારકાનગરીને ભસ્મ કરી. આવા અજ્ઞાનમય ક્રોધને ધિક્કાર હો.
અરે, જુઓ તો ખરા આ સંસારની સ્થિતિ! બળદેવ અને શ્રીકૃષ્ણવાસુદેવ જેવા
મોટા પુણ્યવંત પુરુષો કેવી મહાન વિભૂતિને પામ્યા, જેમની પાસે સુદર્શનચક્ર જેવા
અનેક મહારત્નો હતા, હજારો દેવો જેમની સેવા કરતા ને હજારો રાજા જેમને શિર
નમાવતા, –ભરતક્ષેત્રના એવા ભૂપતિ પુણ્ય ખૂટતાં રત્નોથી રહિત થઈ ગયા, નગરી ને
મહેલો બધું બળી ગયું, સમસ્ત પરિવારનો વિયોગ થઈ ગયો, માત્ર પ્રાણ એ જ જેનો
પરિવાર છે, કોઈ દેવ પણ એમની દ્વારકાનગરીને બળતી બચાવી ન શક્્યા; એવા તે
બંને ભાઈઓ અત્યંત શોકના ભારથી ભરેલા, જીવવાની આશાથી પાંડવો પાસે જવા
દક્ષિણ મથુરા તરફ ચાલ્યા, જેમને પોતે રાજ્યમાંથી કાઢી મુકેલા તેમના જ શરણે
જવાનો વારો આવ્યો. –રે સંસાર! પુણ્ય–પાપના આવા વિચિત્ર ખેલ દેખીને હે જીવ! તું
પુણ્યના ભરોસે બેસી ન રહીશ, શીઘ્ર આત્મહિતને સાધજે.
જન્મમાં કે મરણમાં વળી સુખમાં કે દુઃખમાં,
સંસારમાં કે મોક્ષમાં, રે જીવ! તું તો એકલો.