ગુરુદેવે આપેલો–
સર્વે મુમુક્ષુઓને ઉપયોગી સન્દેશ
[આ સંદેશ ભારતના મુમુક્ષુઓને ઉપયોગી હોવાથી અહીં પુન: આપેલ છે.]
૧. સૌ સાધર્મીને સરખા ગણીને બધા સાથે હળીમળીને રહેવું જોઈએ.
ર. હું મોટો ને બીજા નાના–એમ કોઈનો તિરસ્કાર ન કરવો જોઈએ.
૩. કોઈ પૈસા વધારે આપે કે ઓછા આપે તે ઉપરથી માપ ન કરવું
જોઈએ, પણ ખાનદાનીથી ને ગુણથી ધર્મ શોભે–તેમ સૌએ વર્તવું
જોઈએ.
૪. મુમુક્ષુ–મુમુક્ષુમાં એકબીજાને દેખીને હૃદયથી પ્રેમ આવવો જોઈએ.
પ. ભાઈ, અત્યારે આ વાત મહા ભાગ્યયોગે અહીં આવી ગઈ છે. આ
કાંઈ સાધારણ વાત નથી. માટે સૌએ સંપથી, ધર્મની શોભા વધે ને
પોતાનું કલ્યાણ થાય તેમ કરવું જોઈએ.
૬. એકબીજાની નિંદામાં કોઈએ ઉતરવું ન જોઈએ. એકબીજાને કાંઈ
ફેરફાર હોય તો જતું કરવું જોઈએ. નજીવી બાબતમાં વિખવાદ
ઊભો થાય–તે મુમુક્ષુને શોભે નહિ.
૭. સૌએ મળીને રોજ એક કલાક નિયમિત જ્ઞાનનો અભ્યાસ,
શાસ્ત્રવાંચન કરવું જોઈએ. જ્ઞાનના અભ્યાસ વગર સત્યના
સંસ્કાર ટકશે નહીં.
૮. અરે, તીર્થંકરદેવે કહેલો આવો આત્મા સમજવા જે તૈયાર થયો
એને બહારમાં નાના–મોટાનાં માન–અપમાન શું?
૯. આ તો પોતે પોતાના આત્માનું હિત કરી લેવાની વાત છે.
૧૦. સંસારથી તો જાણે હું મરી ગયો છું–એમ તેનાથી ઉદાસીન થઈને
આત્માનું કલ્યાણ કેમ થાય તે કરવાનું છે.
મુમુક્ષુઓ, ગુરુદેવની આ શિખામણ આપણને સૌને
ઉપયોગી છે, હિતકર છે, અને તેનાથી શાસનની શોભા છે.