Atmadharma magazine - Ank 361
(Year 31 - Vir Nirvana Samvat 2500, A.D. 1974).

< Previous Page   Next Page >


PDF/HTML Page 7 of 53

background image
: : આત્મધર્મ : કારતક : ૨૫૦૦
મિથ્યાત્વરાત્રિનો નાશ કરીને મંગલ આનંદપ્રભાત ખીલ્યું. અને પછી કેવળજ્ઞાન થતાં
તો આનંદનું મહા સુપ્રભાત ખીલ્યું; ચૈતન્યતત્ત્વ પર્યાયમાં ચકચકાટ કરતું ખીલી નીકળ્‌યું.
જેમ ફૂલઝરમાંથી તેજના તણખા ઝરમર ઝરે છે તેમ સમ્યક્ત્વની ચીનગારી વડે
ચૈતન્યપિંડમાંથી આનંદનો રસ ઝરઝર ઝરે છે. લૌકિકમાં દીવાળીના દિવસે દારૂના
ફટાકડા ફોડે છે તેના અવાજથી તો અનેક જીવો મરી જાય છે (ને તેમાં તો પાપ લાગે
છે), પણ અહીં આત્માની દીવાળીમાં (પર્યાયને અંતરમાં વાળીને) અંતર્મુખ થઈને
ચૈતન્યચીનગારી મુકતાં જે સમ્યગ્દર્શન અને કેવળજ્ઞાનનો ફટાકડો ફૂટયો તે તો
મિથ્યાત્વાદિને ફોડીને અંદરથી ચૈતન્યને જીવતો–જાગતો કરીને આનંદ પમાડે છે. આ જ
સાચી અહિંસક દીવાળી છે. આત્મામાં આવી વીતરાગદશારૂપ આનંદમય વર્ષ બેઠું તેમાં
ચૈતન્યનો સોનેરી–સૂર્ય ખીલ્યો ને સુપ્રભાત પ્રગટ્યું, તેનો હવે કદી અસ્ત
નહિ થાય.
અહો, સમ્યક્ત્વના સોનેરી સૂરજથી ઝગઝગતો આત્મા શોભે છે, તે જ સાચું
સુપ્રભાત છે. એમાં જ્ઞાનચક્ષુ ઊઘડ્યા તે ફરીને કદી બીડાશે નહિ. આ તો વીતરાગી
જિનવાણીના અમોઘ બાણ છે, એ બાણ જેને લાગ્યા તેનો મોહ છેદાઈ જાય ને અંદરથી
આનંદમય ભગવાન પ્રગટે.
સદ્ગુરુએ માર્યા શબ્દનાં બાણ રે...
અંદરથી ખીલ્યો ચૈતન્ય ભગવાન.
અહો, જૈનસંતોની વાણી વીતરાગતા–પોષક છે, તે રાગની એકતાને તોડીને,
ચૈતન્યના પાતાળમાં પેસી જાય છે ને અંદરથી આનંદની ગંગા ઊછાળીને બહાર
પર્યાયમાં આનંદની રેલમછેલ કરી દે છે. વાહ રે વાહ! વીતરાગી સંતોની વાણી! આવી
વીતરાગી–જિનવાણીને પણ નવ દેવોમાં ગણી છે; તે પૂજ્ય છે.
વીતરાગવાણી ચૈતન્યપિંડ આત્માને પ્રકાશે છે. ચૈતન્યનું જ્ઞાન એકલું નથી હોતું,
તેની સાથે અતીન્દ્રિયઆનંદ વગેરે અનંત ભાવો હોય છે. આવું આનંદઝરતું સુપ્રભાત
ધર્મીના અંતરમાં ઊગ્યું તે સ્યાદ્વાદથી લસલસાટ કરે છે, અને ચૈતન્યના અપાર
મહિમાથી ભરેલું છે. આત્માનો આનંદરસ એવો અદ્ભુત છે કે એકવાર તે આનંદરસ
પીધો ત્યાં મોક્ષનું વર્ષ બેઠું, મોક્ષનું પ્રભાત તેને ખીલ્યું; તે અલ્પકાળે મોક્ષ પામીને
સાદિ–અનંત સિદ્ધપણે બિરાજશે.
સાધક કહે છે કે અહો, ચૈતન્યનો આવો અદ્ભુત સ્વભાવ મારામાં ઉદયરૂપ