આત્મા જ અમારું શરણ છે; અમારી શ્રદ્ધાનું જ્ઞાનનું શાંતિનું આલંબન અમારો આત્મા
જ છે, તેના જ અવલંબનથી અમારા શ્રદ્ધા–જ્ઞાન–શાંતિ છે. અયોધ્યામાં હતી ત્યારે
શરણવાળી હતી ને હવે જંગલમાં અશરણ થઈ ગઈ–એમ તે માનતી નથી. અયોધ્યા
વખતેય કંઈ તે અયોધ્યા, રામ, કે રામ પ્રત્યેનો રાગ–એ કોઈ અમારું શરણ ન હતું, તે
કોઈના શરણે અમારી શાંતિ કે જ્ઞાનાદિ ન હતા; તે વખતેય અમારો આત્મા જ અમારું
શરણ હતું. ને અત્યારે વનમાં પણ અમારો શાશ્વત જ્ઞાનમય આત્મા જ અમારું શરણ છે.
વીતરાગની વાણી તો તારું તત્ત્વ તારામાં જ બતાવે છે. તારો આત્મા તારા જ્ઞાનાદિની
નિર્મળપર્યાયમાં વર્તે છે, બહાર નથી વર્તતો. તારી અનુભૂતિમાં તારા દ્રવ્ય–પર્યાય અભેદ
છે, વચ્ચે ત્રીજું કોઈ તેમાં આવતું નથી. નિર્વિકલ્પઅનુભૂતિમાં તો ‘આ દ્રવ્ય ને આ
પર્યાય’ એવા ભેદ પણ રહેતા નથી. આવો આત્મા ધ્યાનવડે શ્રદ્ધામાં–જ્ઞાનમાં–
ચારિત્રમાં આવે તેનું નામ શુદ્ધ ભાવ છે, ને તે મોક્ષનું કારણ છે. આવા શુદ્ધભાવ
સિવાય બીજું કોઈ મોક્ષનું કારણ નથી.
જેનામાં સાદિ–અનંતકાળની અનંત–અનંત સુખદશા પ્રગટવાની તાકાત, જેનામાં અનંત
કેવળજ્ઞાનપર્યાયરૂપ થવાની તાકાત,–એનો જે પર્યાયમાં સ્વીકાર થયો તે પર્યાય તો સુખ
અને કેવળજ્ઞાન તરફ પરિણમવા લાગી; રાગથી છૂટીને સ્વભાવમાં નમી ગઈ.–એવી
પર્યાયમાં અખંડ આત્માને ધર્મી અનુભવે છે. ધર્મીને કોઈ પર્યાયમાં પોતાના
પરમાત્માનો વિરહ નથી. મારી પર્યાયના મંડપે મારા ચૈતન્યપ્રભુ પધાર્યા છે.
પધારજો....મારી પર્યાયમાં રાગ નહિ, મારી પર્યાયમાં તો મારો ચૈતન્યપ્રભુ બિરાજે છે–
એમ ધર્મી અનુભવે છે. એની પરિણતિમાં પ્રભુ પધાર્યા છે. તે પરિણતિ હવે મોક્ષદશા
લીધા વગર પાછી ફરે નહિ. પર્યાયે–પર્યાયે પ્રભુને સાથે રાખીને મોક્ષ લીધે જ છૂટકો.