: મહા : રપ૦૦ આત્મધર્મ : ૩૭ :
ચૈતન્ય શક્તિના ચમકારા
* અનંતગુણમય પોતાની ચૈતન્યસત્તાનો જ્યાં મેં સ્વીકાર કર્યો ત્યાં મારી
પરિણતિમાં અનંતગુણનો નિર્મળભાવ વિદ્યમાન વર્તે છે. મારા અનંતગુણનો, ને
તેના નિર્મળભાવનો મને કદી વિરહ નથી.–આવી ધર્મીની દશા હોય છે.
* અહા, ચૈતન્યની શુદ્ધશક્તિને નિર્વિકલ્પપણે સ્વીકારે ને પર્યાયમાં તેની શુદ્ધતાનો
વિર રહે–એમ કદી બને નહિ.
* જે પર્યાયે પોતે અંદર ઊતરીને શુદ્ધ શક્તિનો સ્વીકાર કર્યો, તે પોતે તો શુદ્ધ
ભાવપણે વિદ્યમાન વર્તે છે, તેમાં શુદ્ધતાનો વિરહ કેમ હોય? પોતાને પોતાનો
વિરહ હોય નહિ; તેમ ચૈતન્યશક્તિની વિદ્યમાનતા જે પર્યાયે સ્વીકારી તે
પર્યાયમાં શક્તિનો વિરહ નથી; તેમાં તો શુદ્ધતા વિદ્યમાનભાવપણે વર્તે છે.
* તે એક પર્યાયમાં ચૈતન્યભાવ છે, જીવત્વભાવ છે, સુખનો ભાવ છે, પ્રભુતાનો
ભાવ છે, સ્વચ્છતાનો ભાવ છે–એમ અનંતગુણની શુદ્ધતા ભાવપણે વર્તે છે.
* અહો! ચૈતન્યગુણની પ્રશંસા કોઈ અલૌકિક છે! અરે જીવ! તારા વિદ્યમાન
ગુણની પ્રશંસા સંતો તને સંભળાવે છે, તે સાંભળીને તેનો ઉલ્લાસ લાવ...ને
જગતની લાખ જંજાળ છોડીને પણ ઉરમાં તેને ધ્યાવ.
* પ્રભુ! તારી ચૈતન્યશક્તિના ચમકારામાં રાગનો પ્રવેશ નથી. જે પર્યાયમાં રાગ
છે તે જ સમયે તે પર્યાયમાં ધર્માત્માને પોતાના ચૈતન્યભાવની વિદ્યમાનતા પણ
અનુભવાય છે; સમયે સમયે મારા સર્વગુણ શુદ્ધતાના ભાવપણે વિદ્યમાન છે–
એમ ધર્મીને પોતાની ભાવશક્તિ જ્ઞાનપરિણમનમાં ભેગી જ ભાસે છે; ને તે
પરિણમનમાં રાગનો અભાવ છે.
* ચૈતન્યની પરમ ઉર્મિથી કુંદકુંદપ્રભુને યાદ કરીને ગુરુદેવ કહે છે કે–અહો,
વીતરાગી સંતો! તમે તો અમને કેવળજ્ઞાન તરફ લઈ જવા માટે દોર્યા છે.
ચૈતન્યની અનંતશક્તિ બતાવીને તમે તો અમને કેવળજ્ઞાન તરફ લઈ જાવ છો.
વાહ! દિગંબર સંતોએ જગત ઉપર મહાન ઉપકાર કર્યો છે.