: ૪ : આત્મધર્મ : મહા : ૨૫૦૦
જે જ્ઞાનરૂપ છે શુદ્ધભાવો તેહનું જે ભવન છે,
આત્મા સ્વયં તે ભાવનું ઉત્કૃષ્ટ સાધન થાય છે.
તુજ ‘કરણ–શક્તિ’ જાણ રે! તું બાહ્યસાધન શોધ મા!
આત્મા જ તારો કરણ છે,–પછી વાત બીજી પૂછ મા..
આત્મા વડે નિજઆત્મને જે જ્ઞાનભાવ અપાય છે.
તેને ગ્રહે છે આતમા–એ ‘સંપ્રદાન’ સ્વભાવ છે.
ઉત્પાદ–વ્યયથી ક્ષણિકતા પણ ધ્રુવની હાનિ નહીં,
સેવો સદા સામર્થ્ય એવું ‘અપાદાન’નું આત્મમાં.
ભાવ્યરૂપ જે જ્ઞાનભાવો પરિણમે છે આત્મમાં,
આત્મા જ તેનું ‘અધિકરણ’ ભાખ્યું અહો! જિનવચનમાં.
છે ‘સ્વ અને સ્વામિત્વ’ મારું માત્ર નિજસ્વભાવમાં,
નિજભાવથી કો અન્યમાં છે સ્વત્વ મારું નહિ કદા.
અનેકાન્ત છે જયવંત અહો! નિજશક્તિને પ્રકાશતો,
શક્તિ અનંતી માહરી મુજ જ્ઞાનમાં જ સમાવતો.
જ્ઞાનલક્ષણ ભાવ સાથે અનંત ભાવો ઉલ્લસે,
અનુભવ કરું એનો અહો! વિભાવ કોઈ નહીં દીસે.
જિનમાર્ગ આ પામ્યો અહો, શ્રી ગુરુ–વચન પ્રસાદથી,
અંદર નીહાળ્યું રૂપ ચેતન, પાર જે પરભાવથી.
નિજ શક્તિને પામ્યો અહો શ્રી સમયસાર–પ્રસાદથી,
નિજશક્તિનો વૈભવ અહો! આ પાર છે પરભાવથી.