: ચૈત્ર : રપ૦૦ આત્મધર્મ : ૪૫ :
આત્માને જાણનારું જ્ઞાન તો અતીન્દ્રિય છે અને પ્રત્યક્ષ છે, માટે તે વધારે સ્પષ્ટ
છે.
પાંચમી દેવી પૂછે છે કે: – અનુભૂતિ વખતે તો મતિ–શ્રુતજ્ઞાન છે છતાં તેને પ્રત્યક્ષ અને
અતીન્દ્રિય કેમ કહ્યા!
માતાજી જવાબ આપે છે:–કેમકે અનુભૂતિ વખતે ઉપયોગ આત્મામાં એવો લીન થયો છે
કે તેમાં ઈન્દ્રિયનું કે મનનું અવલંબન છૂટી ગયું છે, તેથી તે વખતે પ્રત્યક્ષપણું છે.
અહા, એ વખતના અદ્ભુત નિર્વિકલ્પ આનંદની શી વાત!
છઠ્ઠી દેવી પૂછે છે કે:–હે માતા! તમે અનુભૂતિની અદ્ભુત વાત સમજાવી. આજે તો જાણે
તમારા અંતરમાંથી કોઈ અલૌકિક ચૈતન્યરસ ઝરી રહ્યો છે!
માતા કહે છે:–દેવી! અંતરમાં બિરાજમાન તીર્થંકરના આત્માનો એ પ્રતાપ છે. પ્રભુ
પધાર્યા ત્યારથી મારા આત્મપ્રદેશોમાં અતીન્દ્રિય આનંદરસ છવાઈ ગયો છે.
સાતમી દેવી કહે છે કે:–અહા, માતા! અમને તો લાગે છે કે પંદર માસ આપની સેવા
કરતાં–કરતાં અમને પણ અનુભૂતિનો મહાન લાભ થશે. આપના પુત્રને દેખીને
અને ગોદમાં લઈને અમે ધન્ય બનશું.
માતા કહે છે:–હા દેવીઓ! જગતના જીવોને અનુભૂતિનો માર્ગ બતાવવા માટે જ મારા
પુત્રનો અવતાર છે. તમે પણ મહાભાગ્યશાળી છો કે તીર્થંકરની સેવા કરવાનો
અવસર પ્રાપ્ત થયો છે.
આઠમી દેવી પૂછે છે:–હે મા! છ– છ માસથી અહીં રાજમહેલમાં કરોડો રત્નો વરસી રહ્યા
છે, રસ્તામાં એ રત્નોનાં ઢગલા પડ્યા છે,–છતાં કોઈ તેને લેતું કેમ નથી!
માતા કહે છે:–દેવી! એ રત્નો તો જડ છે. મારો પુત્ર જન્મીને જગતને સમ્યગ્દર્શન જ્ઞાન–
ચારિત્રનાં ચૈતન્યરત્નો આપવાનો છે...તો એ અલૌકિક ચૈતન્યરત્નો છોડીને આ
જડ–રત્નો કોણ લ્યે! જગતના જીવો તો મારા પુત્ર પાસેથી સમ્યગ્દર્શનાદિ રત્નો
ગ્રહણ કરશે.
બધી દેવીઓ આનંદથી કહે છે:–
“ધન્ય રત્નકૂંખધારિણી માતા! તમારો જય હો....તમારા પુત્રનો જય હો.”
જય મહાવીર