: ૪ : આત્મધર્મ : વૈશાખ : ૨૫૦૦
છે...એ વીણામાંથી આત્માના આનંદના સૂર નીકળે છે જે સાંભળતાં શુદ્ધાત્માના
અનુભવની મીઠાશથી મુમુક્ષુ આત્મા ડોલી ઊઠે છે.
૧૪. ભેદજ્ઞાનવડે જ્ઞાન અને રાગનો જેણે ભંગ કર્યો છે એવા ધર્માત્મા ભેદજ્ઞાની જાણે
છે કે રાગ મારા સ્વભાવથી દૂર રહેનાર છે. મારી ચૈતન્ય ચેતનામાં રાગનો સ્પર્શ
શોભતો નથી; રાગથી મારી ચેતના જુદી ને જુદી રહે છે. બાપુ! તારી ચેતનામાં
રાગનો સ્પર્શ કરવા દઈશ તો તારી ચૈતન્યસંપદા લૂંટાઈ જશે–બગડી જશે.
૧૫. અહા, અનુભૂતિસ્વરૂપ આત્મા તો સદા ચેતનપણે જ વેદનમાં આવે છે. પણ
અજ્ઞાની રાગના વેદનને પોતાનું વેદન માનીને, પોતાના સ્વસંવેદનથી ભ્રષ્ટ થઈ
રહ્યો છે. અરે, રાગ તો તારી ચેતનાથી વિરુદ્ધ કાર્ય કરનારો છે. રાગનું કાર્ય
અશુદ્ધ છે, દુઃખ છે; ચેતના તો દુઃખ વગરની, શુદ્ધ છે, શાંતિરૂપ છે.–આવું
ભિન્નપણું જાણીને જીવ જ્યારે પોતાના સ્વરૂપને ચેતનારૂપે અનુભવે છે ત્યારે
તેને સાધ્યની સિદ્ધિ થાય છે, એટલે મોક્ષમાર્ગ પ્રગટે છે.
૧૬. બાપુ! આ તારા મોક્ષના મારગડા સંતો તને બતાવે છે. જગતના મારગથી તે
જુદી જાતના છે. વિકલ્પના રાગના માર્ગેથી તારા આત્માને પાછો વાળ, ને
ચૈતન્યના માર્ગમાં જોડ. તને અપૂર્વ શાંતિના દરિયા તારામાં દેખાશે. અરે,
શાંતિના ભંડાર ચૈતન્યરાજાને ઓળખીને એને સેવે, તો અપૂર્વ શાંતિ મળ્યા
વગર રહે નહિ.
૧૭. આત્માનો અનુભવ કેમ કરવો? કે જ્ઞાનવડે જ્ઞાનસ્વભાવનો નિર્ણય કરીને,
જ્ઞાનને ઈન્દ્રિયોથી પાર કરીને જ્ઞાનસ્વભાવની સન્મુખ થતાં વિજ્ઞાનઘન
આનંદમય પ્રભુ આત્મા પ્રગટ અનુભવમાં આવે છે વિકલ્પમાં ઊભા રહીને તે
આત્મા અનુભવમાં આવી શકતો નથી.
૧૮. વિકલ્પથી પાર થયેલું અતીન્દ્રિય સ્વસંવેદન જ્ઞાન, તેમાં આત્મતત્ત્વ પ્રગટ
અનુભવમાં આવ્યું, તેને જ સારભૂત સમય કહેવાય છે; તેમાં સમ્યગ્દર્શન જ્ઞાન–
આનંદ વગેરે અનંત આત્મભાવો સમાય છે; તે જ પક્ષાતિક્રાંત છે.
૧૯. તે અનુભવમાં સમ્યક્ મતિ–શ્રુતજ્ઞાન છે, મતિ–શ્રુતજ્ઞાન હોવા છતાં તેની કેટલી
અતીન્દ્રિય તાકાત છે! તેની અજ્ઞાનીને ખબર નથી. તે મતિ–શ્રુતજ્ઞાન ઈન્દ્રિય
વગર, ને રાગ વગર કામ કરનારા છે.