: ૬ : આત્મધર્મ : વૈશાખ : ૨૫૦૦
વળેલા સમ્યક્મતિ–શ્રુતજ્ઞાનવડે તેનો અગાધ મહિમા સાક્ષાત્ અનુભવમાં આવે
છે બીજી કોઈ રીતે ચૈતન્યરત્ન હાથ આવતું નથી.
૨૫. જો તારે ખરેખર સુખી થવું હોય, તારે સિદ્ધપદના માર્ગે આવવું હોય તો
પહેલામાં પહેલાંં સ્વસન્મુખ થઈને જ્ઞાનવડે આત્માને જાણ–એમ વીતરાગ
સંતોનો ઉપદેશ છે.
૨૬. પહેલાંં વિકલ્પ અને રાગવડે માર્ગ પમાશે એમ નથી. સ્વસન્મુખ થયેલ જ્ઞાન
પોતે આનંદમાં તન્મય થઈને આનંદને અનુભવે છે. આનંદ કોઈકને થાય છે ને
જ્ઞાન બીજા કોઈક ને થાય છે–એમ નથી અભેદ અનુભૂતિમાં જ્ઞાન–આનંદ વગેરે
અનંતભાવોનું એકસાથે વેદન છે.
૨૭. આ મોક્ષના અર્થી જીવની વાત છે. ભાઈ, આ જીવનમાં મારે મારું કલ્યાણ કરવું
જ છે–એવી ઊંડી આત્મજિજ્ઞાસાપૂર્વક ચૈતન્યનો મહિમા ઘૂંટતાં–ઘૂટતાં તારા
નિર્ણયમાં એમ આવે કે અહો! હું જ સ્વયં પરિપૂર્ણ જ્ઞાન આનંદસ્વરૂપ છું; આવા
નિર્ણયના જોરે અંતર્મુખ થતાં પ્રત્યક્ષ સ્વસંવેદન વડે આત્મઅનુભવ થાય છે, તે
સમ્યગ્દર્શન છે. સમ્યગ્દર્શન થતાં આત્મા પરમાત્માના પંથે ચડયો....મહાવીરના
માર્ગે ચાલ્યો.
૨૮. આત્માને સાધતાં સાધતાં, વચ્ચે સાધકભૂમિકામાં રાગવડે તીર્થંકર નામકર્મ
બંધાયું, પછી રાગનો નાશ કરીને કેવળજ્ઞાન થતાં તે તીર્થંકરપ્રકૃતિ ઉદયમાં
આવી, ત્યારે દિવ્યધ્વનિમાં ભગવાને વીતરાગતાનો ઉપદેશ આપ્યો, આત્માને
કેમ સાધવો તે બતાવ્યું. તે વાત અહીં સમયસારની ૧૭–૧૮ ગાથામાં
આચાર્યદેવે બતાવી છે.
૨૯. પ્રથમ તો આત્માને ચૈતન્યસ્વરૂપ જાણીને તેની શ્રદ્ધા કરવી, કે જે આ
ચૈતન્યભાવે અનુભવાય છે તે હું જ છું; ચૈતન્યથી ભિન્ન બીજા ભાવો તે હું નથી.
–આવું ભેદજ્ઞાન કરીને નિઃશંક શ્રદ્ધા કરે તે જ જીવ, ચૈતન્યસ્વરૂપમાં નિઃશંકપણે
ઠરીને તેને સાધી શકે છે.
૩૦. હે મુમુક્ષુ! પહેલામાં પહેલું તારું કામ એ છે કે ચૈતન્યરાજાને ઓળખ! ઓળખીને
તેની સેવા કરતાં (–એટલે શ્રદ્ધા–તથા એકાગ્રતા કરતાં) તારો આનંદમય
આત્મા તને અનુભવમાં આવશે.