: વૈશાખ : ૨૫૦૦ આત્મધર્મ : ૨૫ :
હું એક શાશ્વત જ્ઞાન–દર્શનલક્ષણ આત્મા છું; ઉપયોગ સિવાય બીજા બધા
સંયોગલક્ષણરૂપ ભાવો છે તે મારાથી બહાર છે; તે મારા સ્વભાવલક્ષણ નથી.–આવી
ધર્માત્માની અનુભૂતિ છે.
રાગાદિ ભાવો જો આત્માનું સ્વલક્ષણ હોય તો, તે રાગાદિના નાશથી આત્મા
પણ મરણ પામે. પણ રાગનો નાશ થવા છતાં સિદ્ધજીવો સાદિ–અનંતકાળ આનંદથી
જીવે છે.–માટે રાગ તે આત્માનું લક્ષણ નથી. રાગને લક્ષણ માનતાં અવ્યાપ્તિ દોષ આવે
છે.
ઉપયોગ જ આત્માનું લક્ષણ છે. તે આત્માથી કદી જુદું પડતું નથી. ઉપયોગના
અભાવમાં આત્માનો અભાવ હોય છે; ને આત્મા સદાય ઉપયોગસ્વરૂપ હોય છે; આત્મા
ઉપયોગલક્ષણ વગરનો કદી હોતો નથી.
ઉપયોગલક્ષણ જીવ છે ને એ જ સાચું જીવન છે;
એ જીવજો જીવડાવજો, પ્રભુ વીરનો ઉપદેશ છે.
ચેતન–જીવન વીરપંથમાં, નહિ દેહજીવન સત્ય છે;
ચેતન રહે નિજભાવમાં બસ! એ જ સાચું જીવન છે.
ઉપયોગ તે જીવનું સર્વસ્વ છે. તે ઉપયોગની શુદ્ધ અવસ્થા હોય ત્યારે તેની સાથે
શાંતિ–વીતરાગતા–આનંદ વગેરે સર્વ ગુણોથી આત્માનું જીવન શોભી ઊઠે છે; તેથી તે
સાચું જીવન છે, અને તે જીવને ઈષ્ટ છે.
મોહ–રાગાદિ ભાવો ઉપયોગથી વિપરીત છે, તેમાં શાંતિનું જીવન નથી પણ
ભાવમરણ છે; તેથી જીવને તે ઈષ્ટ નથી.
શુદ્ધોપયોગ તે સાચો અહિંસા ધર્મ છે; તેમાં રાગનો અભાવ છે. તે જ જીવને ઈષ્ટ
છે, કેમકે તેમાં સ્વભાવનો ઘાત થતો નથી પણ આનંદમય સ્વભાવની ઉપલબ્ધિ થાય
છે, તેથી તે જ જીવને ઈષ્ટ છે. આ રીતે વીતરાગભાવનો ઉપદેશ તે જ ભગવાન
મહાવીરનો ઈષ્ટ ઉપદેશ છે.
હે ભવ્ય જીવો!
ભગવાન મહાવીરના આવા ઈષ્ટ ઉપદેશને ઓળખીને તેની ઉપાસના કરો; તે જ
ભગવાનના નિર્વાણનો સાચો મહોત્સવ છે, ને તે જ વીરપ્રભુ–પ્રત્યે સાચી અંજલિ છે.
જય મહાવીર