: ૨૮ : આત્મધર્મ : વૈશાખ : ૨૫૦૦
સાચું જીવન આયુકર્મ વગર જ જીવી શકાય છે. અનંત સિદ્ધભગવંતો આયુ વગર
એવું જીવન જીવે છે. જીવના પ્રાણ ચૈતન્ય છે. (आत्मद्रव्यहेतुभूत चैतन्यमात्र
भावधारणलक्षणा जीवत्व शक्तिः।] ચૈતન્યમાત્ર ભાવને ધારણ કરીને સદા જીવે એવી
આત્માની જીવત્વશક્તિ છે, એટલે જીવ સદા ચૈતન્ય–જીવનથી જીવનારો છે, આયુકર્મથી
નહિ.
જો આયુકર્મથી જીવ જીવતો હોત તો બધા સિદ્ધભગવંતો મરી જાત.
આયુના અભાવમાં કાંઈ જીવનો અભાવ થતો નથી.
આવા ચૈતન્યજીવનને ઓળખે તેને દેહબુદ્ધિ રહે નહિ, ને મરણનો ભય મટી
જાય. જેને આયુકર્મનો અભાવ થયો તેનું મૃત્યુ કદી થઈ શકતું નથી.
શું આયુકર્મથી જીવ જીવે છે?–ના;
જેને આયુકર્મ નથી તે સદાય જીવે છે, તેને કદી મરણ થતું નથી, જેને આયુકર્મ છે
તે તો મરે છે.
આયુકર્મને આધીન રહીશ તો તું મરીશ.
આયુકર્મથી છૂટો પડી જા તો તું સદા જીવીશ.
આયુકર્મ વગર, સ્વાધીન ઉપયોગ વડે તું જીવનાર છો.
અરે; તને તારા આત્માનું સ્વાધીન જીવન જીવતાંય ન આવડયું, ને આયુકર્મને
આધીન રહીને અનંતવાર તું મર્યો, દુઃખી થયો. હવે, દેહ અને કર્મથી પાર તારા સ્વાધીન
ચૈતન્યથી જીવતાં શીખ, તો કદી મરણ નહિ થાય, ને સદાકાળનું સુખી જીવન રહેશે.
તેથી સંતો કહે છે કે–ઉપયોગલક્ષણ જીવ છે, ને એ જ સાચું જીવન છે.
સિદ્ધ ભગવંતો અમર છે; તેમને મરણ કેમ નથી?
આયુકર્મનો સર્વથા અભાવ હોવાથી તેમને કદી મરણ નથી.
જો આયુથી જીવ જીવતો હોત તો તે આયુના અભાવમાં જીવનોય અભાવ થઈ
જાત. જીવ તો આયુ વગર પોતાના ચૈતન્યભાવથી જ જીવે છે–એવી તેની જીવત્વશક્તિ
છે. જ્યાં ચૈતન્યભાવ પૂરો ખીલી ગયો છે ત્યાં અમર જીવન પ્રગટે છે.
આ રીતે ચૈતન્યમય વીતરાગભાવ તે આત્માનું જીવન છે.
અહિંસા તે ચૈતન્યજીવન છે. હિંસા તે મરણ છે.
માટે હે ભવ્ય જીવો! જિન–સિદ્ધાંતને જાણીને વીતરાગભાવરૂપ
પરમ અહિંસા ધર્મનું સેવન કરો.
જય મહાવીર