: ૩૬ : આત્મધર્મ : વૈશાખ : ૨૫૦૦
ઉપાદેય છે; અને એવો અનુભવ તે જ આત્મા છે. આવા શુદ્ધસ્વરૂપનો અનુભવ
તે જ સુખ છે; તે જ ઉત્કૃષ્ટ છે; બીજું બધું હેય છે.
૮૧. અનુભવસ્વરૂપ આત્મા અતીન્દ્રિયજ્ઞાનરૂપ થયો છે, ને તે અસંખ્યપ્રદેશમાં સર્વ
પ્રદેશે એકસરખો પરિણમી રહ્યો છે. જ્ઞાનપરિણમન આત્માના સર્વ પ્રદેશમાં છે.
અનુભૂતિમાં આત્માનો કોઈ પ્રદેશ જ્ઞાનપરિણમનથી ખાલી નથી, અનુભૂતિ સર્વ
આત્મપ્રદેશમાં વ્યાપક છે. આત્માના સર્વ પ્રદેશો સદા ચેતનારસથી ભરેલા છે, તે
જ પ્રદેશોમાં આનંદ ભર્યો છે; અનંતગુણનો રસ સર્વ આત્મપ્રદેશે ભરેલો છે.
આત્મા જ તે સ્વરૂપ છે.
૮૨. આવો જ્ઞાનઘન આત્મા જ મુમુક્ષુઓએ સાધ્ય–સાધકભાવરૂપે ઉપાસવા યોગ્ય છે.
જ્ઞાનસ્વરૂપથી જુદું બીજું કોઈ ઉપાસવા યોગ્ય નથી.–આ મોક્ષ માટેનો મહાન
જૈનસિદ્ધાંત છે.
૮૩. આવા આત્માનો અનુભવ કેમ થાય? કે સ્વાનુભવ–પ્રત્યક્ષ વડે અનુભવ થાય
છે. એકલા પરોક્ષજ્ઞાનવડે કે રાગવડે આત્માનો અનુભવ થતો નથી.
૮૪. આત્માના અનુભવનો આટલો બધો મહિમા કેમ કરો છો? કેમકે આવા
અનુભવ વડે જ સાધ્ય આત્માની સિદ્ધિ થાય છે, બીજી કોઈ રીતે આત્મા
સધાતો નથી એટલે કે જીવનું દુઃખ મટતું નથી ને સુખ થતું નથી. સુખની પ્રાપ્તિ
ને દુઃખનો નાશ આવા આત્માના અનુભવથી જ થાય છે, માટે તેનો મહિમા
અપાર છે; તે અનુભવથી ઊંચું બીજું કાંઈ નથી.
૮૫. આવા અનુભવ–દાતાર ને ચોરાશીના ચક્કરથી છોડાવનાર ગુરુદેવને નમસ્કાર
હો.
–બ્ર. હ. જૈન
ઉપકારની શી વાત!
ગુરુઉપદેશને અંતરમાં ઉતારીને જ્યાં અપૂર્વ સ્વસંવેદનપૂર્વક આત્મજ્ઞાન
થાય છે ત્યાં ધર્મીને એમ થાય છે કે અહા! મારો આખો આત્મા જ નવો બની
ગયો! એવો સરસ બની ગયો કે જેના એકત્વમાં અનંતકાળ રહેતાં પણ કંટાળો ન
આવે. કદી કલ્પનામાંય ન હતો એવો અપૂર્વ શાંતરસથી ભરપૂર આત્મા પોતે
જીવંત થઈને પ્રસિદ્ધ થયો.–આવા શાંતરસરૂપ થયેલો આત્મા તો જગતમાં સદાય
સુખી જ હોયને! આવું સુખ જેમના પ્રતાપે મળ્યું–તે સંતોના ઉપકારની શી વાત!