Atmadharma magazine - Ank 368
(Year 31 - Vir Nirvana Samvat 2500, A.D. 1974).

< Previous Page   Next Page >


PDF/HTML Page 25 of 37

background image
: ૨૨ : આત્મધર્મ : જેઠ : ૨૫૦૦
જેમ ઝાડનો આધાર તેનું મૂળ છે, તેમ સમસ્ત વ્રતોના આધારરૂપ મૂળ
સમ્યગ્દર્શન છે. જેમ મૂળ વગર ઝાડ રહી શકતું નથી, તેમ સમ્યગ્દર્શન વગર કોઈ વ્રત
હોઈ શકતું નથી.
માટે વિવેકી ગૃહસ્થોએ સૌથી પહેલાંં બધા વ્રતોના સારભૂત સમ્યગ્દર્શન ધારણ
કરવું જોઈએ; કેમકે સમ્યગ્દર્શનની સાથે સાથે હોનારાં વ્રત જ સમસ્ત પાપોને દૂર કરી
શકે છે, એનાં વગરનાં વ્રતોથી પાપો દૂર થતાં નથી.
જીવાદિ સાતતત્ત્વોનું શ્રદ્ધાન કરવું તે સમ્યગ્દર્શન છે; સમ્યગ્દર્શન ધારણ કરવા
માટે જીવોએ તે તત્ત્વોનું જ્ઞાન જરૂર કરવું જોઈએ.
હે ભગવાન! તત્ત્વ કયા–કયા છે? તેમાં કેવા ગુણો છે? તેનું શું લક્ષણ છે? તેનું
સ્વરૂપ મને કહો.
સાંભળ, હે બુદ્ધિમાન! સર્વજ્ઞના આગમમાં સાત તત્ત્વો કહ્યાં છે: જીવ–અજીવ,
આસ્રવ–બંધ, સંવર–નિર્જરા–મોક્ષ (પુણ્ય અને પાપ બંનેનો સમાવેશ આસ્રવમાં થઈ
જાય છે). જે ઉપયોગસ્વરૂપ છે, અને ઉપયોગરૂપ પોતાના ચૈતન્યપ્રાણથી ત્રણેકાળે સદા
જીવે છે–ટકે છે–તે જીવ છે. તે અમૂર્ત છે; અશુદ્ધદશામાં તે કર્મનો કર્તા–ભોક્તા છે,
શુદ્ધદશામાં તે કર્મનો કર્તા–ભોક્તા નથી, પોતાના આનંદાદિ સ્વધર્મનો જ કર્તા–ભોક્તા
છે. તેનામાં સંકોચવિસ્તાર થવાની લાયકાત હોવા છતાં તે કાયમ લોક જેટલા
અસંખ્યપ્રદેશી જ રહે છે. આવા જીવો જગતમાં અનંત છે. સંસારદશા અને સિદ્ધદશા
એવી બે અવસ્થાઓ રૂપે તે પરિણમે છે. સંસારદશાનું કારણ પુણ્ય–પાપ–આસ્રવ ને બંધ
છે. મોક્ષદશાનું કારણ સંવર ને નિર્જરા છે.
–આ પ્રમાણે સમ્યગ્દર્શનની શુદ્ધિ માટે તત્ત્વનું સ્વરૂપ જાણવું જોઈએ.
અજીવ તત્ત્વના પાંચ ભેદ છે–
પુદ્ગલ, ધર્મ, અધર્મ, આકાશ અને કાળ.
પુદ્ગલ–પરમાણુઓ અનંતાનંત છે; મૂર્તિક છે એટલે સ્પર્શ–રસ વગેરે સહિત છે.
આઠકર્મ શરીર વગેરે પુદ્ગલની રચના છે.
ધર્મ–અધર્મ તે બંને એકેક દ્રવ્ય છે; અમૂર્ત છે; લોકવ્યાપક અસંખ્યપ્રદેશી છે.
આકાશ અમૂર્ત છે, ક્ષેત્રસ્વભાવી સર્વવ્યાપક છે, અનંતાનંત પ્રદેશી છે.