: જેઠ : ૨૫૦૦ આત્મધર્મ : ૨૩ :
કાળ અમૂર્ત છે, એક જ પ્રદેશી છે. લોકમાં સર્વત્ર એકેક પ્રદેશે એકેક કાલાણુદ્રવ્ય
રહેલું છે.
જીવ–પુદ્ગલ સિવાયના ચારે દ્રવ્યો સદા સ્થિર રહેનારાં છે. જીવ અને પુદ્ગલો
હલન–ચલન કરનારાં છે.
છએ દ્રવ્યો પોતપોતાનાં અનંત સ્વધર્મસહિત કાયમ ટકીને, પ્રતિક્ષણ
પરિણમનશીલ છે, એટલે ઉત્પાદ–વ્યય–ધ્રૌવ્યસ્વભાવી છે; કોઈ એ બનાવ્યા વગરનાં
સ્વતંત્ર સત્ સ્વભાવી છે.
ચતુરપુરુષોને જૈનસિદ્ધાંત–અનુસાર આવા તત્ત્વોનું સાચું જ્ઞાન થાય છે.
કર્મના આસ્રવમાં સૌથી મુખ્ય કારણ મિથ્યાત્વ છે; તેનાથી જીવ સંસારમાં રખડે
છે, ને દુઃખને અનુભવે છે. આવેલાં કર્મોની સ્થિતિ તે બંધ છે; અને કર્મોનું ખરી જવું તે
નિર્જરા છે.
સર્વ કર્મના સંબંધ રહિત, જીવની પૂર્ણ શુદ્ધદશા તે મોક્ષ છે; તે મહા આનંદરૂપ છે.
મોક્ષ પામેલા જીવ ચારગતિના ભવમાં કદી અવતરતા નથી, અનંતકાળ સુધી સદાય
મોક્ષ–સુખને જ અનુભવે છે. તેમનું સુખ સ્વભાવિક છે, ઉત્કૃષ્ટ છે, અનુપમ છે, અનંત
છે, અછિન્નપણે નિરંતર રહેનારું છે.–અહો! તે મોક્ષસુખ સંતો દ્વારા મહા પ્રશંસનીય છે,
ઈષ્ટ છે.
–આવા તત્ત્વોને જાણીને હે જીવો! તમે સમ્યગ્દર્શન કરો.
જો મિથ્યાત્વાદિ પાપ ન રોકાય, કે નષ્ટ ન થાય, તો વ્રત–તપ–ચારિત્રનું પાલન
કે જ્ઞાનની વૃદ્ધિ–એ બધું વ્યર્થ, કલેશરૂપ છે.
જગતમાં જીવને તે જ સાચો મિત્ર છે તથા તે જ સાચો બંધુ છે કે જે તેને
ધર્મસેવનમાં સહાયક થાય છે. ધર્મસેવનમાં જે વિઘ્ન કરનારા છે તે તો શત્રુ છે.
અહા, મુનિરાજ ભવ્યજીવોને ધર્મોપદેશરૂપી હાથનો સહારો દઈને પાપના મોટા
સમુદ્રથી પાર કરે છે ને મોક્ષના માર્ગમાં લગાવે છે, તેઓ જ આ જીવના ખરા બાંધવ છે.
વધારે શું કહીએ! થોડામાં એટલું સમજી લ્યો કે જગતમાં જે કાંઈ બુરું છે–દુઃખ
છે–દરિદ્રતા છે–નિંદા–અપમાન–રોગ–આધિ–વ્યાધિ છે તે બધુંય પાપથી જ ઉત્પન્ન થાય છે.