: જેઠ : ૨૫૦૦ આત્મધર્મ : ૨૯ :
આપણા પરમ ઈષ્ટદેવ મહાવીરભગવાન...તેમના નિર્વાણમહોત્સવના આ
અઢીહજારમા મહાનવર્ષમાં તેમના પ્રત્યે પવિત્ર અંજલિરૂપ લેખમાળાનો આ
ત્રીજો લેખ છે. (ગતાંક થી ચાલુ) (૩)
મહાવીર ભગવાને બતાવેલા માર્ગને સમજીને તેમાં ચાલવું–તે આપણું કર્તવ્ય છે.
ભગવાને જગતના પદાર્થો અનાદિઅનંત બતાવ્યા છે. હું પણ એક આત્મા અનાદિઅનંત
છું. મને કોઈએ બનાવ્યો નથી, તથા મારો કોઈ નાશ કરનાર નથી. હું મારા જ આશ્રયે
રહીને મારું કલ્યાણ કરી શકવાની તાકાતવાળો છું.–આવો નિર્ણય તે આપણું પહેલું કર્તવ્ય છે.
ભગવાન મહાવીર આત્મજ્ઞાની, ગંભીર, વૈરાગ્યવંત અને નિર્ભય હતા. ડરવાનું
તો તેઓના સ્વભાવમાં જ ન હતું. તેઓ વિવેકી અને શૂરવીર મહાપુરુષ હતા. તેમને
ઓળખીને તેઓ જે માર્ગે ગયા તે માર્ગે આપણે જવાનું છે.
રાજકુમાર વર્દ્ધમાન યુવાન થતાં અનેક રાજવીઓ પોતાની રાજકન્યાના તેમની
સાથે લગ્ન કરવા માટે પ્રસ્તાવ લઈને આવ્યા; એકના એક લાડીલા કુંવરને પરણાવીને
લહાવો લેવાની માતા–પિતાને પણ ઘણી હોંશ હતી; માતા–પિતાએ ઘણું કહ્યું; પણ જે
વૈરાગી મહાત્માનું ચિત્ત મોક્ષસુંદરીને સાધવામાં લાગેલું હોય તે બીજી કન્યા સાથે લગ્ન
કરીને સંસારમાં કેમ પડે? ન મહાવીરે લગ્ન કર્યા, કે ન સંસારમાં રહ્યા, તેમણે તો
મોક્ષસુંદરીને વરવાની દીક્ષા લઈને સંસાર છોડી દીધો...રાજપાટ છોડી દીધા ને મુનિ
થયા. આ રીતે ભગવાન મહાવીરે આત્મસાધક જીવોને માટે એક મહાન આદર્શ આપ્યો.
આત્માના સાધકને સંસારપ્રસંગ તો જેટલો ટૂંકો થાય તેટલો સારો. આત્માર્થીએ તો
આત્માને સાધવામાં જ બધી શક્તિ કેન્દ્રિત કરવી જોઈએ. મહાવીરની માફક સંસારસુખ
છોડીને આત્મસુખ મેળવવું તે આપણું કર્તવ્ય છે.
મુનિરાજ મહાવીર આત્મધ્યાનવડે સર્વજ્ઞ થયા...સર્વજ્ઞ થયા પછી તેમણે દિવ્ય
ઉપદેશવડે જે અદ્ભુત આત્મતત્ત્વ સમજાવ્યું, તે સમજીને, ગૌતમ ઈન્દ્રભૂતિ–અગ્નિભૂતિ–
વાયુભૂતિ વગેરે કેટલાય જીવો સર્વજ્ઞ થયા ને મોક્ષ પામ્યા; પછી સુધર્મસ્વામી, જંબુસ્વામી