: રર : આત્મધર્મ : શ્રાવણ–ભાદ્ર : રપ૦૦
* આત્માનો જ્ઞાનસ્વભાવ છે; તેમાં રાગને ઉત્પન્ન કરવાનો સ્વભાવ નથી,
જ્ઞાનપર્યાયોને ઉત્પન્ન કરે એવું તેના સ્વભાવનું બળ છે. જ્ઞાનપર્યાયોથી
અભિન્નપણે આત્મા પરિણમે છે. સ્વપર્યાયોથી જુદી ચૈતન્યસત્તા નથી, પણ
એકરસ છે. જ્ઞાનપર્યાય થવાનો આત્માનો સ્વભાવ છે, તે કાંઈ ઉપાધિ નથી,
પણ તે તો પોતાનું સ્વાભાવિક સામર્થ્ય છે.
* ચેતનપણે વિદ્યમાન વસ્તુરૂપ જે જ્ઞાયકભાવ છે, તેનો જ્ઞાનરૂપે પરિણમવાનો
સ્વભાવ છે; તે જેટલા જ્ઞાનપર્યાયોરૂપે પરિણમે છે તે બધા પર્યાયો અભેદમાં
તન્મય થઈને એક અભેદને અભિનંદે છે; એવા નિર્વિકલ્પ જ્ઞાનસ્વરૂપે ધર્મી
પોતાને અનુભવે છે. જ્ઞાનપર્યાયો અસત્ નથી પણ તેના ભેદના વિકલ્પો કરવા
તે વસ્તુસ્વરૂપમાં અસત્ છે, રાગ–વિકલ્પો તે વસ્તુનું સ્વરૂપ નથી.
* શુદ્ધ જ્ઞાનના અનુભવનશીલ આત્મા, અનાકુળતારૂપ પરમ સુખને આસ્વાદે છે,
તે વિકલ્પના સ્વાદને પોતામાં ભેળવતો નથી. શાંતરસનો સ્વાદ લેનારું જ્ઞાન
વિકલ્પનો સ્વાદ લેવાને અસમર્થ છે; વિકલ્પનો બોજો જ્ઞાનને અસહ્ય છે.
ચૈતન્યનો સુખરસ જેણે ચાખ્યો છે ને તેમાં જ જે તન્મય થયેલું છે તે જ્ઞાનમાં
દુઃખરૂપ વિકલ્પોનો સ્વાદ કેમ સમાય? ઈંદ્રિયવિષયોના દુઃખને તે જ્ઞાન કેમ
વેદે? અજ્ઞાનીજનોને જે રાગ અને વિષયોમાં સુખ લાગે છે, જ્ઞાનીને તે બધા
દુઃખરૂપ લાગે છે, ને જ્ઞાનમય શુદ્ધસ્વરૂપમાં તદ્રૂપ પરિણમતો થકો તેના
સુખસ્વાદને જ તે વેદે છે. અહો, એ સુખનો મહિમા જ્ઞાનીને જ ગોચર છે.
* જીવદ્રવ્યરૂપી મહાસમુદ્ર, પોતાના જ્ઞાનકલ્લોલોરૂપે સ્વબળથી જ પરિણમી રહ્યો
છે, એટલે તે તો સ્વભાવ જ છે, તે કાંઈ રાગ–દ્વેષની જેમ ઉપાધિ નથી. જેટલા
જ્ઞાનપર્યાયો છે તેમનાથી ભિન્ન સત્તા નથી, એક જ સત્ત્વ છે. સત્તાસ્વરૂપે
જ્ઞાયકભાવ એક છે, તથાપિ અંશભેદ કરતાં અનેક છે. આવા આત્માના
અનુભવનું જે મહાન સુખ છે તે સુખ બીજે ક્્યાંય નથી. જીવ અનંતકાળથી ચારે
ગતિઓમાં ભમતાં જેવું સુખ ક્્યાંય પામ્યો નહિ એવા અદ્ભુત સુખનો નિધાન
આત્મા છે, ને તે સુખ ધર્મીને આસ્વાદમાં આવ્યું છે.
* કોઈ કહે કે એક જ્ઞાનના પાંચ પ્રકાર કેમ છે? તો કહે છે કે જ્ઞાનપર્યાય તે વસ્તુનું
સહજ સ્વરૂપ છે, તે જ્ઞાનના પર્યાયો કાંઈ વસ્તુથી વિરુદ્ધ તો નથી. વિકલ્પો જુઠા
છે ને જ્ઞાનથી વિરુદ્ધ છે પણ જ્ઞાનપર્યાયો કાંઈ વિરુદ્ધ કે જુઠા નથી; આત્મા
જ્ઞાનમાત્ર છે; તેની સંવેદન વ્યક્તિઓ અત્યંત નિર્મલ છે.