: દ્વિ. ભાદ્ર : ૨૫૦૦ આત્મધર્મ : ૧૯ :
ભાઈ, તારા આત્માની રમત તારા પરિણામ અને પરિણામી વચ્ચે છે; બીજા
સાથે તારે કોઈ સંબંધ નથી. તારા પરિણામરૂપે થનાર તારી વસ્તુ છે, બીજું કોઈ નથી.
ને તું તારા પરિણામરૂપે જ થનાર છો, અન્યરૂપે થનાર તું નથી.–આમ પરથી અત્યંત
ભિન્ન પોતાના સ્વરૂપઅસ્તિત્વને નક્કી કરનાર જીવ, પોતાના પરિણામને પોતામાં જ
સમાવતો થકો, પર પ્રત્યે મોહરૂપે જરાય નહિ પરિણમતો થકો, ‘શુદ્ધ’ પણે રહે છે.–
આવું શુદ્ધપણું તે મોક્ષમાર્ગ છે...તે મોક્ષમાર્ગપરિણામમાં તન્મયપણે આત્મા સ્વંય તે રૂપે
તે કાળે પરિણમ્યો છે–એ ધર્મી જાણે છે.
વસ્તુ પોતાના ગુણ–પર્યાયમાં ‘અકંપ’ રહેલી છે–એ જ તેના સ્વરૂપની
રક્ષા છે. ‘પરિણામ’ પરિણામીથી જુદા નથી, પણ પરિણામ બીજા પરિણામથી જુદા છે:
જેમકે–
એક આત્મામાં ક્ષાયિકસમ્યક્ત્વ છે, ને રાગાદિ પણ છે; હવે ત્યાં–
* સમ્યક્ત્વ અને રાગ તે પરિણામો આત્મવસ્તુ વગર હોતાં નથી, એ બંને
પરિણામો આત્મવસ્તુનાં જ છે.
* પણ તેમાં, જે સમ્યક્ત્વ–પરિણામ છે તે રાગ વગરનાં છે, ને રાગપરિણામ
સમ્યક્ત્વ વગરનાં છે; એ રીતે સમ્યક્ત્વ અને રાગ એ બંને પરિણામો એક–
બીજા વગરનાં છે; પણ તે પરિણામો વસ્તુ વગરનાં નથી.
* સમ્યક્ત્વ અને રાગ બંને પરિણામો એકબીજાથી ભિન્ન છે, બંનેનાં કાર્ય ભિન્ન છે,
બંનેના સ્વાદ ભિન્ન છે.
હે ભાઈ.....સર્વજ્ઞ વીતરાગદેવે જિનશાસનમાં પ્રસિદ્ધ કરેલું આ વસ્તુસ્વરૂપ તું
જાણ....તો તારું જ્ઞાન વીતરાગભાવથી ખીલી ઊઠશે, તારો આત્મા સ્વપરિણામની
નિર્મળતામાં શોભી ઊઠશે.–એ જ મહાવીર ભગવાનના નિર્વાણનો સાચો મહોત્સવ છે.
પરિણામી અને પરિણામમાં વસ્તુસ્વરૂપની મર્યાદા સમાપ્ત થાય છે; તે મર્યાદાને
ઓળંગીને પરવસ્તુ સાથે સંબંધ માનીશ નહિ. વીતરાગમાર્ગમાં કહેલી વસ્તુસ્વરૂપની
મર્યાદા તે વીતરાગતાનું કારણ છે.
હે ભાઈ!..... તું ‘પરિણામને’ એકલા ન જોઈશ.
પરિણામનો સંબંધ પર સાથે બાંધીશ નહિ.
પરિણામનો સંબંધ પરિણામી વસ્તુ સાથે જાણજે.