Atmadharma magazine - Ank 371
(Year 31 - Vir Nirvana Samvat 2500, A.D. 1974).

< Previous Page   Next Page >


PDF/HTML Page 24 of 45

background image
: દ્વિ. ભાદ્ર : ૨૫૦૦ આત્મધર્મ : ૨૧ :
પોતાના રાગપરિણામ કે જ્ઞાનપરિણામ, –તે આત્મવસ્તુથી જુદા નથી. પરિણામ
ક્યાંક, ને વસ્તુ ક્્યાંક–એમ ભિન્નપણું દ્રવ્યથી–ક્ષેત્રથી–કાળથી કે ભાવથી જોવામાં
આવતું નથી. તે–તે કાળના પરિણામનો આધાર વસ્તુ છે, બીજું કોઈ નહિ.
રાગપરિણામ કે વીતરાગપરિણામ તેનો આધાર આત્મવસ્તુ છે. તેનો આધાર કાંઈ કર્મ
કે શરીરાદિ નથી.
પરિણામ છે તે કાર્ય છે; તે કાર્ય, કારણ વગર હોતું નથી.–તે કારણ કોણ? કે
વસ્તુ પોતે તે કાળે તે કાર્યનું કારણ છે, બીજું કોઈ કારણ નથી. બીજાનું વિદ્યમાનપણું
બીજામાં છે, આ કાર્યમાં (સમ્યક્ત્વમાં કે મિથ્યાત્વમાં) બીજાનું વિદ્યમાનપણું નથી;
બીજાથી તેને અત્યંત જુદાઈ છે.
જુઓ, આ વસ્તુસ્વરૂપનો મહાન સિદ્ધાંત છે. કેવળી–શ્રુતકેવળી ભગવાનના
સાન્નિધ્યમાં એક જીવ ક્ષાયિકસમ્યક્ત્વ પામ્યો; ત્યાં તે જીવના ક્ષાયિકસમ્યક્ત્વનો
આધાર કોણ છે?–કે જેનાં તે પરિણામ છે તે જ તેનો આધાર છે. તે ક્ષાયિકસમ્યક્ત્વરૂપે
આ આત્મા પોતે પરિણમ્યો છે, એટલે તેનું કારણ ને તેનો આધાર આ આત્મા છે, બીજા
કેવળી કે શ્રુતકેવળી આ પરિણામના આધાર કે કારણ નથી. તેમજ, મિથ્યાત્વપરિણામે
પરિણમનાર જીવમાં પણ, તે પરિણામનો આધાર તે જીવ પોતે તે કાળે છે, કર્મ કે બીજું
કોઈ તેનો આધાર નથી. ભાઈ, તારા પરિણામનું કારણ તારામાં છે, બીજામાં નથી, માટે
પરિણામ સાથે તારે તારી સ્વવસ્તુ જોવાની રહી, તારા પરિણામ માટે તારે બીજા સામે
જોવાની પરાધીનતા ન રહી.
વાહ રે વાહ! જુઓ આ ભગવાનનો સ્વાધીન માર્ગ!–સ્વાધીનતાનો આ સિદ્ધાંત
જગતના બધા જડ–ચેતન પદાર્થોમાં, તેમજ શુદ્ધ–અશુદ્ધ પરિણામોમાં લાગુ પડે છે. એક
સિદ્ધાંત બરાબર સમજે તો ઉપાદાન–નિમિત્તનો, કારણ–કાર્યનો, નિશ્ચય–વ્યવહારનો કે
વસ્તુના ક્રમબદ્ધ–નિયમિત પરિણામની સ્વતંત્રતાનો;–એ બધાય ખુલાસા આવી જાય છે.
કર્મથી જીવનાં અશુદ્ધપરિણામ થાય, કે દેવ–ગુરુના આધારે આ જીવનાં ધર્મપરિણામ
થાય, એમ જોવામાં આવતું નથી. જીવનાં તે–તે કાળનાં પરિણામ (અશુદ્ધ કે શુદ્ધ તે)
કર્મથી ને દેવ–ગુરુથી તો જુદા જ જોવામાં આવે છે, પણ પોતાની આત્મવસ્તુથી પોતાના
તે–તે કાળના પરિણામ ભિન્ન જોવામાં આવતાં નથી. વસ્તુના પરિણામને વસ્તુ સાથે
સંબંધ છે, પરસાથે સંબંધ નથી. સૂક્ષ્મ ભેદ પાડતાં દ્રવ્ય તે દ્રવ્ય છે, પર્યાય તે પર્યાય છે,
–પણ તે દ્રવ્ય ને પર્યાય બંને ધર્મો એક વસ્તુમાં સમાય છે,