Atmadharma magazine - Ank 372
(Year 31 - Vir Nirvana Samvat 2500, A.D. 1974).

< Previous Page   Next Page >


PDF/HTML Page 30 of 53

background image
: આસો : ૨૫૦૦ આત્મધર્મ : ૨૭ :
જગતમાં તો અરિહંતદશાને પામેલા સર્વજ્ઞ–આત્માનું સદાય અસ્તિત્વ છે; તેનું
અસ્તિત્વ જેને ભાસ્યું તેને તો તે ભરતક્ષેત્રમાં હોય તોપણ સર્વજ્ઞનો વિરહ નથી; અને
તે સર્વજ્ઞનું અસ્તિત્વ જેને ન ભાસ્યું તેને તો (તે મહાવિદેહમાં હોય તોપણ) સર્વજ્ઞનો
વિરહ જ છે. એક વસ્તુ ઘરમાં પડી હોય, પણ જેને તેની ખબર નથી તેને તો તેનો વિરહ
છે; અને ઘરમાં રહેલી વસ્તુની જેને ખબર છે તેને તો પોતે ગમે ત્યાં બેઠો હોય તોપણ તે
વસ્તુનો સદ્ભાવ જ છે, વિરહ નથી.
અરે જીવ! જૈનધર્મ અને વીતરાગ અરિહંતદેવનો ઉપદેશ મહાવીર ભગવાનની
પરંપરામાં આજે તને પ્રાપ્ત થયો, તો આ ટાણે તારા જ્ઞાનમાં સમ્યક્ ઉદ્યમ કરીને તું
દર્શનમોહનો નાશ કરીને સમ્યગ્દર્શન નહિ પામે–તો પછી ક્યારે પામીશ? સંસાર–
દુઃખથી છૂટવાનો અત્યારે જ ઉત્તમ અવસર છે. મોહને છેદનારો તીક્ષ્ણ અસિધાર જેવો
વીતરાગમાર્ગનો ઉપદેશ ઝીલીને, સ્વ–પરની અત્યંત ભિન્નતા નક્કી કરીને તું
સ્વસન્મુખ થા. ચૈતન્યનું સ્વરૂપ જાણતાંવેંત ઉપયોગ તેમાં સન્મુખ થઈને એકાગ્ર થયો
તે જ મોહને છેદવા માટે તીક્ષ્ણ તલવારનો પ્રહાર છે. સમયસારમાં તેને ‘પ્રજ્ઞાછીણી’
કહી છે, અહીં ‘તીખી તલવાર’ કહી છે.
વાહ રે વાહ! આચાર્યભગવંતોની વાણી આત્માર્થી જીવને શૌર્ય જગાડનારી છે;
જિનવાણી તો પુરુષાર્થપ્રેરક છે. કાયરના કાળજામાં તે સમાય નહિ. વીતરાગની આ
વાણી ઝીલવી તે તો શૂરવીરોનાં કામ છે.–‘હરિનો મારગ છે શૂરાનો; નહીં કાયરનું કામ.’
આત્માના સ્વરૂપનો નિર્ણય કરવાના પ્રયત્નકાળે જ્ઞાન સાથે રાગ–વિકલ્પ હોવા
છતાં, મુમુક્ષુજીવની બુદ્ધિ સ્વભાવ તરફ ઢળતી હોય છે; રાગ તરફ તેની બુદ્ધિ નથી ઢળતી,
પણ તેનાથી ભિન્ન ચૈતન્યસ્વરૂપ હું છું–એમ અંતરના સ્વભાવ તરફ તેની બુદ્ધિ ઢળે છે.
મારા ગુણ–પર્યાયને મારા દ્રવ્ય સાથે સંબંધ છે, અને પરના ગુણ–પર્યાયને પર
દ્રવ્ય સાથે સંબંધ છે; ચૈતન્યભાવરૂપ જે મારા દ્રવ્ય–ગુણ–પર્યાયો છે તે હું છું, ને બીજું
બધું મારાથી પર છે;–આમ સ્વ–પરને સમ્યક્પણે ભિન્ન જાણનાર જીવને મોહનો ક્ષય
થઈ જાય છે. જિનવાણીનો પણ એ જ ઉપદેશ છે. તેથી જેણે સ્વ–પરનું ભેદજ્ઞાન કરીને
મોહનો નાશ કર્યો તેણે જ જિનવાણીનો સાચો અભ્યાસ કર્યો છે.
જેમ કોઈ પુરુષ તીખી–તલવાર હાથમાં ઝાલીને ઊભો રહે પણ જો તેનો ઉપયોગ
ન કરે તો શત્રુને હણી શકે નહિ; તેમ જિનવાણીરૂપ તીખી તલવાર મહાભાગ્યથી હાથમાં