Atmadharma magazine - Ank 372
(Year 31 - Vir Nirvana Samvat 2500, A.D. 1974).

< Previous Page   Next Page >


PDF/HTML Page 9 of 53

background image
: : આત્મધર્મ : આસો : ૨૫૦૦
કૌશમ્બીનગરીમાં સતી ચન્દનબાળા બેડીથી બંધાયેલી હતી; ત્યારે મુનિરાજ
મહાવીર–પ્રભુનાં દર્શન થતાં જ એની બેડીનાં બંધન તૂટી ગયા, ને પરમભક્તિથી તેણે
પ્રભુને આહારદાન કર્યું.
સાડાબાર વર્ષ મુનિદશામાં રહીને, વૈશાખ સુદ દસમના રોજ, સમ્મેદશિખરજી
તીર્થથી દશેક માઈલ દૂર જાૃમ્ભિક ગામની ઋજુકૂલા સરિતાના કિનારે ક્ષપકશ્રેણી માંડીને
પ્રભુએ કેવળજ્ઞાન પ્રગટ કર્યું. એ અરહંતભગવાન રાજગૃહના વિપુલાચલ પર પધાર્યા.
૬૬ દિવસ બાદ, અષાડ વદ એકમથી દિવ્યધ્વનિ દ્વારા ધર્મામૃતની વર્ષા શરૂ થઈ; તે
ઝીલીને ઈન્દ્રભૂતિ–ગૌતમ વગેરે અનેક જીવો પ્રતિબોધ પામ્યા. વીરનાથની ધર્મસભામાં
૭૦૦ તો કેવળી ભગવંતો હતા; કુલ ૧૪૦૦૦ મુનિવરો ને ૩૬૦૦૦ અર્જિકાઓ હતા;
એક લાખ શ્રાવકો ને ત્રણ લાખ શ્રાવિકાઓ હતા. અસંખ્યદેવો ને સંખ્યાત તિર્થંચો હતા.
ત્રીસવર્ષ સુધી લાખો–કરોડો જીવોને પ્રતિબોધીને મહાવીરપ્રભુજી પાવાપુરી નગરીમાં
પધાર્યા; ત્યાંના ઉદ્યાનમાં યોગનિરોધ કરીને બિરાજમાન થયા, ને આસોવદ અમાસના
પરોઢિયે પરમ સિદ્ધપદને પામી સિદ્ધાલયમાં જઈ બિરાજ્યા. તે સિદ્ધપ્રભુને નમસ્કાર હો.
અર્હંત સૌ કર્મોતણો, કરી નાશ એ જ વિધિ વડે,
ઉપદેશ પણ એમ જ કરી, નિર્વૃત્ત થયા; નમું તેમને.
શ્રમણે–જિનો–તીર્થંકરો એ રીતે સેવી માર્ગને,
સિદ્ધિ વર્યા, નમું તેમને, નિર્વાણના તે માર્ગને.
ભગવાન મહાવીરે જ્યારે મોક્ષગમન કર્યું ત્યારે આસો વદ ૧૪ ની અંધારી રાત
હોવા છતાં સર્વત્ર એક ચમત્કારિક દિવ્ય પ્રકાશ ફેલાઈ ગયો હતો, અને ત્રણ લોકના
જીવોને ભગવાનના મોક્ષના આનંદકારી સમાચાર મળી ગયા હતા. દેવેન્દ્રો અને
નરેન્દ્રોએ ભગવાનના મોક્ષનો મોટો મહોત્સવ કર્યો; ને એ અંધારી રાત કરોડો દીપકોથી
ઝગમગી ઊઠી. કરોડો દીપની આવલીથી ઉજવાયેલો એ નિર્વાણમહોત્સવ દીપાવલી પર્વ
તરીકે ભારતભરમાં પ્રસિદ્ધ થયો...ને ઈસ્વીસનની પહેલાંં ૫૨૭ વર્ષ પૂર્વે બનેલો એ
કલ્યાણક પ્રસંગ આજેય આપણે સૌ દીપાવલી–પર્વ તરીકે આનંદથી ઊજવીએ છીએ.
દીપાવલી એ ભારતનું સર્વમાન્ય આનંદકારી ધાર્મિક પર્વ છે. આવા આ દીપાવલી
પર્વના મંગલ પ્રસંગે વીરપ્રભુની આત્મસાધનાને યાદ કરીને આપણે પણ એ વીરમાર્ગે
સંચરીએ ને આત્મામાં રત્નત્રયદીવડા પ્રગટાવીને અપૂર્વ દીપાવલીપર્વ ઊજવીએ.