Atmadharma magazine - Ank 373
(Year 32 - Vir Nirvana Samvat 2501, A.D. 1975).

< Previous Page   Next Page >


PDF/HTML Page 11 of 53

background image
: : આત્મધર્મ : કારતક : ૨૫૦૧
આત્મધર્મ
બત્રીસમા વર્ષનો મંગલ પ્રારંભ
આત્મધર્મનું આ ૩૨ મું વર્ષ એટલે મહાવીરભગવાનના અઢીહજારવર્ષીય
નિર્વાણમહોત્સવનું મહાન વર્ષ! ‘આત્મધર્મ’ નું મહાન ભાગ્ય કે પ્રભુના આવા મહા મંગલ
ઉત્સવમાં આનંદથી ભાગ લેવાનું ને તેનો પ્રચાર કરવાનું પરમ સૌભાગ્ય તેને મળ્‌યું. –એ રીતે,
મોક્ષમાર્ગના દાતાર મહાવીરપ્રભુના પરમ ઉપકારને પ્રસિદ્ધ કરવાનો સોનેરી અવસર મળ્‌યો.
બંધુઓ, (સાથે બહેનો પણ ખરા), અહીં વારંવાર કહ્યું છે કે આ અવસર છે
આત્માને સાધવાનો. અત્યારે વીરશાસનમાં શ્રીગુરુપ્રતાપે આત્માને સાધવાની સર્વ સામગ્રી
સાક્ષાત્ મળી છે, તો હવે આવા ઉત્તમ કાર્યમાં વાર શા માટે લગાડવી? અત્યંત જાગૃત થઈને,
આત્મામાં સમ્યક્ આરાધનાના ચૈતન્યદીવડા પ્રગટાવો ને વીરમાર્ગમાં પ્રવેશી જઈને
વીરપ્રભુનો મહાન ઉત્સવ ઉજવો.
વીરનાથના જિનશાસનમાં, ‘આત્મધર્મ’ દ્વારા આપણે સૌ એક પરિવાર જેવા બની
ગયા છીએ. ગમે તેટલા દૂરના ભિન્નભિન્ન બે પ્રાંતના માણસો મળે, –પણ જો બંને
આત્મધર્મના વાંચનારા હોય તો, જાણે અત્યંત નિકટના પરિચિત એક પરિવારના જ હોય–
એવો પરસ્પર પ્રેમ જાગી ઊઠે છે. આપણો આવો વાત્સલ્યસંબંધ આજકાલનો નહિ પણ ૩૨
વર્ષનો છે. આત્મધર્મના સમસ્ત પાઠકોને પોતાના સગા ભાઈ–બેનથીયે વિશેષ સમજીને
સંપાદકે હંમેશાં તેમના પ્રત્યે નિર્દોષ વાત્સલ્યપ્રેમ વરસાવ્યો છે, ને સામેથી સમસ્ત પાઠકોએ
પણ સંપાદક પ્રત્યે એવી જ લાગણીઓ દર્શાવી છે. ધાર્મિક વાત્સલ્યથી સમસ્ત સાધર્મીઓ
આત્મસાધનામાં એકબીજાને પુષ્ટિ આપીએ–ને સૌ સાથે મળીને વીરશાસનને એવું તો
શોભાવીએ–કે વીરનાથ પ્રભુ આપણને સાક્ષાત્ દર્શન આપે.
બાલવિભાગના બાળમિત્રો! આ મંગલ ઉત્સવ પ્રસંગે તમનેય હું કેમ ભૂલું? તમે સૌ
જે ઉત્સાહથી–હોંશથી ભાગ લઈ રહ્યા છો તે માટે ધન્યવાદ! ને હજી ખૂબ–ખૂબ આગળ વધીને
જૈનશાસનની ઘણી સેવા કરજો. –“જય મહાવીર.” –બ્ર. હ. જૈન
આત્મધર્મ વાર્ષિક લવાજમ છ રૂપિયા છે: આપે ન ભર્યું હોય તો તરત મોકલશો.
“આત્મધર્મ કાર્યાલય” સોનગઢ ()