Atmadharma magazine - Ank 373
(Year 32 - Vir Nirvana Samvat 2501, A.D. 1975).

< Previous Page   Next Page >


PDF/HTML Page 23 of 53

background image
: ૨૦ : આત્મધર્મ : કારતક : ૨૫૦૧
આત્માને અનિષ્ટ શું? કે દુઃખ; તેના કારણરૂપ અજ્ઞાન ને રાગ–દ્વેષ તે
અનિષ્ટ છે.
આત્માને ઈષ્ટ શું? સુખ; તેના કારણરૂપ અતીન્દ્રિયજ્ઞાન તે ઈષ્ટ છે. જેણે આત્માનું
સુખ જાણ્યું–માણ્યું–અનુભવ્યું તે જીવ ધર્મી છે; તે જીવ અતીન્દ્રિયજ્ઞાનવડે સુખના ધામમાં
પરમાત્મા પાસે પહોંચી ગયો. હવે દુનિયામાં બીજે ક્્યાંય તેને સુખ ભાસતું નથી; આત્મા
સિવાય જગતમાં બીજે ક્્યાંય તેનું ચિત્ત ચોટતું નથી, ને બીજું કાંઈ તેને ઈષ્ટ લાગતું
નથી. (‘જગત ઈષ્ટ નહિ આત્મથી’) અરે, ચૈતન્યસુખની અતીન્દ્રિય શાંતિને વેદનારો
જીવ તે કષાયની (શુભ કે અશુભરાગરૂપ) ગરમીમાં કેમ રહી શકે? જેમ શીતળજળમાં
રહેલું માછલું તડકામાં કે અગ્નિમાં રહી શકતું નથી, તેમ ચૈતન્યના શાંત–શીતળ અમૃતનો
સ્વાદ ચાખનારા ધર્માત્માને શુભરાગમાં કે અશુભરાગમાં ક્્યાંય ચેન પડતું નથી, તેમાં
ક્્યાંય શાંતિ લાગતી નથી. શાંતિનું ધામ તો પોતામાં છે.
જુઓને, પાંચપાંડવો અહીં (શત્રુંજય પર) મુનિદશામાં પધાર્યા હતા, અંદર
ચૈતન્યની શાંતિના ધામમાં પ્રવેશીને મહાન સુખને અનુભવનારા તે વીતરાગી સંતો!
શત્રુંજય ઉપર ધ્યાનમાં અપૂર્વ સુખને વેદતા હતા. ત્યાં દુર્યોધનના ભાણેજે ભયંકર
અગ્નિનો ઉપસર્ગ કર્યો. પાંડવોનું શરીર બળવા લાગ્યું, પણ યુધિષ્ઠિર–ભીમ–અર્જુન તો
દેહનું કે પોતાના ભાઈઓનું પણ લક્ષ છોડીને, ચૈતન્યની શાંતિના વેદનમાં એવા
મશગુલ થયા કે તે જ વખતે કેવળજ્ઞાન પામીને દેહાતીત સિદ્ધપદને પામ્યા. બીજા બે
મુનિઓને, પોતાના શરીરનો તો વિકલ્પ ન આવ્યો, પણ વાત્સલ્યને લીધે આટલો
વિચાર આવ્યો કે યુધિષ્ઠિર વગેરેનું શું થતું હશે! ચૈતન્યની શાંતિના વેદનમાંથી જરાક
બહાર આવીને આટલો શુભવિચાર ઊઠ્યો તેનાથી સ્વભાવનો પ્રતિઘાત થયો, ને
કેવળજ્ઞાન અટકી ગયું; રાગને લીધે તેમને સર્વાર્થસિદ્ધિનો અવતાર થયો.
–આ રીતે રાગનો કણિયો પણ જીવને અનિષ્ટ છે, અને તે સર્વ–ઈષ્ટરૂપ એવા
કેવળજ્ઞાનને રોકે છે; કેવળજ્ઞાનની પ્રાપ્તિમાં રાગનો કણિયો પણ પાલવે તેમ નથી. અરે
ચૈતન્યનાથ! આવો ઈષ્ટ તારો સ્વભાવ–તેના પ્રેમથી એકવાર ડોલએ જા!–આનંદિત
થા! તારો આવો સ્વભાવ, તેનાથી સુંદર બીજું કાંઈ જગતમાં નથી.
– વિસ્તારથી બસ થાઓ. આવા સુંદર–અદ્ભુત સુખસ્વભાવનો અત્યારે જ
ઉલ્લાસથી સ્વીકાર કરો. જે ભવ્યજીવ આત્માના આવા સુખસ્વભાવનો અત્યારે જ
સ્વીકાર કરે છે તે અલ્પકાળમાં જ મોક્ષને સાધે છે, ને ફરીને માતાના ઉદરમાં આવતો
નથી. –અશરીરી થઈને સદાકાળ સિદ્ધાલયમાં વસે છે. –એણે જ સ્વઘરમાં વાસ્તુ કર્યું.