: ૨૮ : આત્મધર્મ : કારતક : ૨૫૦૧
આત્મા સાથે અભેદ રહેતું થકું આત્માને પરમ સુખ આપે છે. માટે હે જીવ! તું
સમ્યગ્જ્ઞાન પ્રગટ કર. સર્વપ્રકારના ઉદ્યમ વડે વારંવાર ભેદજ્ઞાનના અભ્યાસથી અંતર્મુખ
થઈને તું જ્ઞાનસ્વરૂપ આત્માનો અનુભવ કર.
[છઢાળા–પ્રવચનમાંથી: બાકીનો ભાગ આવતા અંકમાં વાંચશોજી]
મુમુક્ષુ નો વ્યવહાર
* કોઈ પણ સાધર્મીના કોઈ સદ્ગુણની પ્રશંસા થતી હોય તો તે દેખીને હે જીવ! તું
આનંદિત થાજે; ઈર્ષા કરીશ નહીં.
* સાધર્મીના ગુણની ઈર્ષા તે ધર્મનો જ અનાદર છે, ગુણની વિરાધના છે.
* અને સાધર્મી ઉપર અસત્ કલંક નાંખવાનો ભાવ, તે તો ધર્મના અવર્ણવાદનું
મહાન પાપ છે.
* સંસારમાં જીવોને જે તીવ્ર અપજશ–પ્રતિકૂળતા વગેરે દુઃખો આવી પડે છે, તે તેણે
પોતે પૂર્વે દેવ–ગુરુ–સાધર્મીની નિંદા–વિરાધના કરેલી હોય તેનું જ ભયંકર
પાપફળ છે. –આમ સમજીને દેવ–ગુરુ–ધર્મની વિશેષ આરાધના કરવી.
* સાચા ભાવથી દેવ–ગુરુ–ધર્મનું સેવન કરનારને સંસારનાં કોઈ દુઃખ ટકી શકે નહિ.
* માટે હે જીવ! તું પરમ સ્નેહથી સર્વજ્ઞદેવના ધર્મને જ શરણરૂપ જાણીને તેની
આરાધના કર, ગુરુઓની સેવા કર ને સાધર્મીને સ્વજનરૂપે દેખીને પ્રસન્ન થા.
* દેવ–ગુરુ–સાધર્મી પ્રત્યે મુમુક્ષુનો વ્યવહાર ઘણો ઊંચો હોય છે. પોતે જે સર્વોત્તમ
વીતરાગમાર્ગને સાધી રહ્યો છે તે જ માર્ગમાં પોતાના સાથીદાર સાધર્મીઓને
દેખીને તેનું ચિત્ત હર્ષથી ખીલી ઊઠે છે; તથા પોતાને આવો સર્વોત્તમ માર્ગ
જેમના પ્રતાપે મળ્યો છે એવા દેવ–ગુરુ પ્રત્યે ભક્તિ બહુમાનથી તેનું ચિત્ત
ભીંજાઈ જાય છે. આથી જગતના લૌકિક સંબંધો કરતાં સાધર્મી પ્રત્યેનો તેનો
સ્નેહ–વ્યવહાર કોઈ જુદી જાતનો હોય છે. વાહ રે વાહ! એનો અંદરનો અનુભવ
તો ઉત્તમ છે ને બહારનો વ્યવહાર પણ મોક્ષમાર્ગની સાથે શોભે તેવો ઉત્તમ હોય
છે. એવા મુમુક્ષુના ઉત્તમ નિશ્ચય–વ્યવહારથી જિનમાર્ગ શોભી રહ્યો છે.