Atmadharma magazine - Ank 373
(Year 32 - Vir Nirvana Samvat 2501, A.D. 1975).

< Previous Page   Next Page >


PDF/HTML Page 32 of 53

background image
: કારતક : ૨૫૦૧ આત્મધર્મ : ૨૯ :
@ આત્માના સર્વજ્ઞસ્વભાવની અદ્ભુતા @
આ વિશ્વમાં અનંત જીવો, અનંત અજીવ પુદ્ગલો, અને તે દરેકમાં અનંત ગુણ–
પર્યાયોની વિચિત્રતાનો પાર નથી, આવા વિચિત્ર અનંતાનંત જ્ઞેયો, તે બધાયનો
કેવળજ્ઞાન એકસાથે પાર પામી જાય છે; અનંત દ્રવ્યો છે, અનંત ક્ષેત્ર છે, અનંત કાળ છે
ને અનંત ભાવો છે–તે સમસ્ત દ્રવ્ય–ક્ષેત્ર–કાળ–ભાવને જ્ઞાન પોતાની અચિંત્ય–અદ્ભુત
પરમ તાકાત વડે એક સમયમાં રાગ–દ્વેષ વગર જાણે છે. –આવો જ્ઞાનસ્વભાવી આત્મા
છે. એની પ્રતીત કરે તો જ સર્વજ્ઞ–અરિહંતદેવનો સાચો સ્વીકાર થઈ શકે છે, કેમકે
સર્વજ્ઞને એવો જ્ઞાનસ્વભાવ પ્રગટ છે. –આવા કેવળજ્ઞાનનો દિવ્યમહિમા લક્ષમાં આવતાં
તેના ફળમાં જરૂર સમ્યગ્દર્શન થાય છે. કેવળજ્ઞાનનો આ મહિમા કાંઈ કેવળીભગવાનને
નથી સમજાવતા, પણ જેને પોતાનું હિત કરવું છે, જેને આત્માનું સ્વરૂપ ઓળખવું છે
–એવા ભવ્ય જીવને જ્ઞાનનું શુદ્ધ સ્વરૂપ બતાવે છે, –તે સ્વરૂપને ઓળખતાં જ રાગને
ઓળંગીને તે જીવ જ્ઞાનસ્વભાવની સન્મુખતા વડે અદ્ભુત જ્ઞાન–શ્રદ્ધાનરૂપે પરિણમવા
માંડે છે. એટલે આ સમ્યગ્દર્શન પામવાની રીત છે.
૧. જેને સર્વજ્ઞતાની અદ્ભુતતા લાગે તેને રાગની અદ્ભુતતા લાગે નહિ.
૨. જેને સર્વજ્ઞતાની અદ્ભુતતા લાગે તે જેમાંથી સર્વજ્ઞતા આવી તેમાં જાય.
૩. જેને સર્વજ્ઞતાની અદ્ભુતતા લાગે તે રાગથી છૂટો પડીને જ્ઞાનરૂપ થઈ જાય.
૪. જેને સર્વજ્ઞતાની અદ્ભુતતા લાગે તેને પોતામાં ચૈતન્યનો ચમત્કાર ભાસે.
૫. જેને સર્વજ્ઞતાની અદ્ભુતતા લાગે તેને જગતના કોઈ પદાર્થનું આશ્ચર્ય ન રહે.
૬. જેને સર્વજ્ઞતાની અદ્ભુતતા લાગે તેને સમ્યગ્દર્શન ને જ્ઞાન થાય.
૭. જેને સર્વજ્ઞતાની અદ્ભુતતા લાગે તેને પોતામાં ભવઅંતના ભણકાર આવી જાય.
૮. જેને સર્વજ્ઞતાની અદ્ભુતતા લાગે તેને જ અરિહંત અને સિદ્ધની ભક્તિ હોય.
૯. જેને સર્વજ્ઞતાની અદ્ભુતતા લાગે તેને પોતાનો પૂર્ણ આત્મા પ્રતીતમાં આવે.
૧૦. જેને સર્વજ્ઞતાની અદ્ભુતતા લાગે તેણે જ સર્વજ્ઞની વાણી ને જાણી છે.
૧૧. જેને સર્વજ્ઞતાની અદ્ભુતતા લાગે તેને જ મોક્ષતત્ત્વની શ્રદ્ધા થાય છે.
૧૨. જેને સર્વજ્ઞતાની અદ્ભુતતા લાગે તે જ સર્વજ્ઞના માર્ગમાં આવ્યો છે.