Atmadharma magazine - Ank 373
(Year 32 - Vir Nirvana Samvat 2501, A.D. 1975).

< Previous Page   Next Page >


PDF/HTML Page 39 of 53

background image
: ૩૬ : આત્મધર્મ : કારતક : ૨૫૦૧
ભાવના જાગી. –આમ કહીને આચાર્યદેવે વજ્રકુમારને મુનિદીક્ષા આપી; વજ્રકુમારે
કોમળ કેશનો સ્વહસ્તે લોચ કર્યો, રાજપુત્રી અને રાગપરિણતિ બંનેનો ત્યાગ કર્યો,
દેહનો સ્નેહ છોડીને ચૈતન્યધ્યાનમાં સ્થિર થયા, ને શુદ્ધોપયોગી થઈને મુનિદશા પ્રગટ
કરી. તેની સાથે ઉદયસુંદર વગેરે ૨૬ રાજકુમારો પણ જિનદીક્ષા લઈને મુનિ થયા.
મનોવતીએ પણ પતિ અને ભાઈનો મોહ છોડીને, સર્વે આભૂષણ દૂર કરી વૈરાગ્યપૂર્વક
આર્યિકાવ્રત ધારણ કર્યા, સાથે અનેક રાણીઓ પણ અર્જિકા થઈ, ને એકમાત્ર સફેદ
સાડીથી ઢંકાયેલા દેહમાં ચૈતન્યની સાધના વડે શોભવા લાગી. રત્નમણિના આભૂષણ
કરતાં શુદ્ધોપયોગના આભૂષણથી આત્મા વધારે શોભી ઊઠે છે; તે રીતે વજ્રકુમાર વગેરે
સૌ મુનિદશામાં શુદ્ધોપયોગ વડે શોભવા લાગ્યા.
ધન્ય તે વૈરાગી રાજપુત્રોને!
જ્યારે વજ્રકુમાર વગેરેની દીક્ષાના સમાચાર અયોધ્યા પહોંચ્યા ત્યારે તેના દાદા
વિજયમહારાજા પણ સંસારથી વિરક્ત થયા: અરે, આવો નવપરિણિત યુવાન પૌત્ર
સંસાર છોડીને મુનિ થયો; ને હું બુઢ્ઢો થવા છતાં હજી સંસારના વિષયોને નથી છોડતો!
આ રાજકુમારે તો સંસાર–ભોગોને તૃણવત્ સમજીને છોડી દીધા ને મોક્ષને અર્થે
શાંતભાવમાં ચિત્તને સ્થિર કર્યું. ઉપરથી સુંદર લાગતા વિષયોનું ફળ બહુ કડવું છે.
યુવાનદશામાં દેહનું જે રૂપ હતું તે પણ વૃદ્ધાવસ્થામાં કુરૂપ થઈ ગયું. દેહ અને વિષયો
ક્ષણભંગુર છે; આમ જાણવા છતાં પ્રમાદી થઈને હું તેમાં અત્યાર સુધી પડ્યો રહ્યો!
અરે, યુવાન પૌત્રે દીક્ષા લેવા છતાં હું વિષયભોગોમાં ભમ્યા કરું તો મારા જેવો મૂર્ખ
કોણ? –આમ વિચારી બાર વૈરાગ્યભાવના ભાવી, સર્વે જીવો પ્રત્યે ક્ષમાભાવપૂર્વક તે
વિજય રાજા પણ જિનદીક્ષા લઈને મુનિ થયા...પૌત્રના પંથે દાદાએ પ્રયાણ કર્યું.
ધન્ય જૈનમાર્ગ! ધન્ય મુનિમાર્ગ! ધન્ય તે માર્ગે ચાલનારા જીવો!
વિજય રાજાએ દીક્ષા લેતી વખતે રાજ્ય વજ્રકુમારના ભાઈ પુરંદરને સોંપ્યું;
પુરંદર રાજાએ રાજ્ય પોતાના પુત્ર કીર્તિધરને સોંપીને દીક્ષા લીધી; તે કીર્તિધરે પણ,
પંદર દિવસની વયના પુત્ર સુકૌશલને રાજતિલક કરીને જિનદીક્ષા લઈ લીધી....તે
સુકૌશલકુમારે પણ (ગર્ભસ્થબાળકને રાજતિલક કરીને) પોતાના પિતાની પાસે જ
દીક્ષા અંગીકાર કરી...એટલું જ નહિ પણ તેની મા વાઘણ થઈને તેને ખાઈ ગઈ તોપણ
તે આત્મધ્યાનથી ન ડગ્યા ને કેવળજ્ઞાન પ્રગટ કરીને મોક્ષ પામ્યા.
તેની કથા હવે પછી કહેશું.