: ૪૨ : આત્મધર્મ : કારતક : ૨૫૦૧
ભાઈ, આવા અભેદતત્ત્વની અનુભૂતિરૂપ મંગળ ચાંદલો કરીને મોક્ષને સાધવાનો આ
અવસર છે...આ અવસરે આડું–અવળું જોવા રોકાઈશ મા.
અહા, સંતોએ આ સમયસાર–પ્રવચનસાર જેવા પરમાગમોની રચના કરીને
જૈનશાસનને શોભાવ્યું છે–ઊજળું કર્યું છે.
જ્ઞાનીને જ્ઞાન–દર્શન–ચારિત્ર નથી તેનો અર્થ એમ છે કે જ્ઞાન–દર્શન–ચારિત્ર
એવા ભેદો જ્ઞાનીની અનુભૂતિમાં નથી, અનંત ગુણોથી એકરસ એવા અભેદતત્ત્વની
અનુભૂતિ ધર્મીને હોય છે. એ વાત સમયસારની સાતમી ગાથામાં કરી છે, એ જ વાત
અહીં ૧૮ મા બોલમાં છે. જ્યાં ગુણભેદના વિકલ્પનોય પ્રવેશ કે સ્પર્શ નથી, ત્યાં બીજા
સ્થૂળ બાહ્ય શુભાશુભરાગની વાત તો ક્્યાં રહી? એકવાર તારા આવા ગુણ–પર્યાયથી
અભેદઆત્માને ઉપયોગમાં લઈને તેને આલિંગનકર...તો તારા આત્મામાં સમ્યક્ત્વનું
અભૂતપૂર્વ સોનેરી ચૈતન્યપ્રભાત ખીલી ઉઠશે.
અહા, તારા નિધાન તો જો! જે નિધાન પાસે ચક્રવર્તીપદનાં કે ઈન્દ્રપદના
નિધાનનીયે કાંઈ કિંમત નથી.
ધર્મીજીવની અનુભૂતિમાં આખો આત્મા પ્રસિદ્ધ થયો છે, વ્યક્ત છે; પણ ગુણ કે
પર્યાયના ભેદના ગ્રહણમાં ભગવાન આત્મા પ્રસિદ્ધ થતો નથી. સ્વદ્રવ્ય–ક્ષેત્ર–કાળ
ભાવના ભેદ વગરની જે અખંડ નિર્વિકલ્પ વસ્તુ, તે ધર્મીના અનુભવનો વિષય છે.
આવી નિર્વિકલ્પ વસ્તુને ન જાણનારો અજ્ઞાની દ્રવ્ય–ક્ષેત્ર–કાળ–ભાવના ભેદોવડે વસ્તુને
ખંડિત કરે છે, દ્રવ્ય–ક્ષેત્ર–કાળ–ભાવને ખંડ–ખંડરૂપ જુદા માને છે.
જેમ ગુણભેદથી આત્માનું ગ્રહણ થતું નથી તેમ પર્યાયભેદથી પણ આત્માનું
ગ્રહણ થતું નથી. આવું અભેદ આત્મતત્ત્વ સમ્યગ્દ્રષ્ટિને શ્રદ્ધામાં–જ્ઞાનમાં–અનુભવમાં
આવે છે. આવા અનુભવની વસ્તુ સર્વજ્ઞભગવાન પાસેથી લાવીને, વીતરાગ સંતોએ
જગતના જીવોને ભેટ આપી છે. –આ જ પંચપરમેષ્ઠીની ઉત્તમ બોણી છે.
ખાસ સૂચના
શ્રી પરમાગમ–મંદિર–પ્રતિષ્ઠા–મહોત્સવ સમિતિનો હિસાબ બંધ કરેલ હોઈ
તે અંગેના જે પૈસા બાકી હોય તેનો ચેક કે ડ્રાફટ બેન્ક ઓફ ઈન્ડીયા સોનગઢ કે
ભાવનગરની ગમે તે બેન્ક ઉપરનો “શ્રી દિગંબર જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ
સોનગઢ” ના નામનો મોકલવા વિનંતી છે. –પ્રતિષ્ઠા મહોત્સવ સમિતિ, સોનગઢ