: માગશર : ૨૫૦૧ આત્મધર્મ : ૧૧ :
જે સ્વભાવ તેમાં રાગનો કોઈ અંશ ભળી શકે નહિ. રાગનું પરિણમન તે જ્ઞાનનું
પરિણમન નથી. આમ જે નથી જાણતો તે જીવ રાગને જાણતાં તેમાં
એકત્વબુદ્ધિથી જ્ઞાનનેય રાગરૂપ જ માનીને પોતાને રાગી જ અનુભવે છે. જ્ઞાની
તો જ્ઞાનવસ્તુરૂપે જ પોતાનું અસ્તિત્વ જાણતો થકો, રાગને જાણતી વખતેય
પોતાને તો જ્ઞાનભાવરૂપે જ અનુભવે છે.–આવા અનુભવનું નામ અનેકાન્ત છે,
ને તે અનેકાન્ત આત્માને જીવાડે છે,–એટલે કે તે અનેકાન્તવડે ધર્મીજીવ
સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રરૂપ પરિણમતો થકો મોક્ષને સાધીને સદાકાળ
અનંતસુખમય જીવન જીવે છે.–એ જ આત્માનું સાચું જીવન છે. આવું
અનંતસુખમય જીવન વીતરાગી જિનમાર્ગના સેવનથી પ્રાપ્ત થયું છે; વાહ!
બલિહારી છે–વીતરાગી જિનમાર્ગની! જયવંત વર્તો જિનમાર્ગ!
• ચૈતન્યભાવરૂપ આત્મામાં દ્રવ્ય–પર્યાય બંને એકસાથે છે •
(તેમાંથી એકને પણ ન માનનારા એકાંતવાદીઓ આત્માને સાધી શકતા નથી)
* ચૈતન્યસ્વરૂપ આત્મવસ્તુ,–કે જેમાં ચૈતન્યભાવ સાથે અનંત ધર્મો ભેગા જ વર્તે
છે,–તે વસ્તુને નહિ અનુભવનારા કેટલાક તેને માત્ર અનિત્યપર્યાયરૂપ ક્ષણિક
જાણે છે, નિત્ય ટકનાર દ્રવ્યસ્વભાવને જાણતા નથી; તે એકાન્તવાદીઓ
આત્માને સાધી શકતા નથી.
* –એ જ રીતે ચૈતન્યભાવને જેઓ સર્વથા નિત્ય જાણે છે, ને તેમાં પર્યાય–
પરિણમવારૂપ અનિત્યતા છે તેને નથી જાણતા, તેઓ પણ એકાન્તવાદી હોવાથી
આત્માને સાધી શકતા નથી.
* એક ચૈતન્યભાવરૂપ વસ્તુ પોતે જ નિત્યતા–અનિત્યતા વગેરે અનંત
સ્વભાવોરૂપ પરિણમે છે,–તેને જાણનાર ધર્મીજીવ પરથી ભિન્ન એવા પોતાના
એકત્વને સાધે છે.
• જિનદેવના અનેકાન્તને કોઈ ઉલ્લંઘી શકે નહિ •
* સર્વજ્ઞદેવે કહેલું અનેકાન્તમય વસ્તુસ્વરૂપ તે જિનદેવનું અલંધ્ય શાસન છે.–
આવી અનેકાન્તમય જિનનીતિને જાણનાર ધર્માત્મા પોતાને શુદ્ધ ચૈતન્યપણે જ
અનુભવતો થકો, કેવળજ્ઞાન પ્રગટ કરીને, અનંતચતુષ્ટયથી ઝગઝગતા
સુપ્રભાતરૂપે ખીલી જાય છે.
* દ્રવ્ય–પર્યાય તે વસ્તુનું સ્વરૂપ જ છે, વસ્તુના તે સ્વરૂપને તોડી શકાય નહિ.
તોડવા માંગે તેનું જ્ઞાન તૂટી જાય એટલે કે મિથ્યા થઈ જાય, પણ વસ્તુનું
અનેકાન્તસ્વરૂપ તૂટે નહિ.