: ૧૨ : આત્મધર્મ : માગશર : ૨૫૦૧
• પર્યાય વગરનો આત્મા નથી •
જ્ઞાનપર્યાય કે જે શુદ્ધ છે, ને રાગ–દ્વેષ વગર પદાર્થોને જાણવાનો જેનો
સ્વભાવ છે,–તે પર્યાય વગરનો એકાન્ત ધ્રુવ–કૂટસ્થ આત્મા જે અનુભવવા માંગે
છે–તે એકાન્તવાદી–મિથ્યાદ્રષ્ટિ છે. આત્મામાં અનિત્યતા અમારે નથી જોઈતી,
એકલું ધ્રુવ જ જોઈએ છે–એમ માનીને જે પર્યાયનો નિષેધ કરે છે તેને
જ્ઞાનવસ્તુનો જ નિષેધ થઈ જાય છે, એટલે કે જ્ઞાનસ્વરૂપ આત્મા તેના
અનુભવમાં આવતો નથી.
* આચાર્યદેવ અનેકાન્ત વડે તેને સાચું સ્વરૂપ સમજાવે છે કે ભાઈ! પર્યાય પણ
તારો સ્વભાવ જ છે, તે કાંઈ બહારની ઉપાધિ નથી. જેમ નિત્યતા વસ્તુનો
સ્વભાવ છે તેમ અનિત્યતા પણ વસ્તુનો સ્વભાવ છે.–બંને સ્વભાવવાળી
વસ્તુને જાણ, તો જ તને સાચો અનુભવ થશે.
• વીરમાર્ગમાં અનેકાન્તનો સિંહનાદ •
અનેકાન્ત એ તો વીરમાર્ગનો સિંહનાદ છે. મહાવીર ભગવાનનું લંછન
સિંહ છે; સિંહ તે શૂરવીરતાનો સૂચક છે. તેમ મહાવીરમાર્ગમાં જિનવચનરૂપ
સિંહનાદ સાંભળીને મુમુક્ષુજીવ વીતરાગી–વીરતાવડે મોક્ષમાર્ગને સાધે છે.
સિંહગર્જના થાય ત્યાં હરણીયાં ઊભા ન રહે, તેમ જ્યાં અનેકાન્તનો સિંહનાદ થાય ત્યાં
એકાંત દ્રવ્ય કે એકાંતપર્યાય વગેરે મિથ્યાવાદરૂપી હરણીયાં ઊભા રહી શકતા નથી.
અનેકાન્તસૂર્યનો પ્રકાશ દ્રવ્ય–પર્યાયરૂપ વસ્તુને એકસાથે પ્રકાશે છે.
• મોક્ષનો સત્ય મહોત્સવ....એટલે મોક્ષમાર્ગ •
અનેકાન્તમય શુદ્ધ જીવસ્વરૂપનો અનુભવ તે જ મોક્ષનો માર્ગ છે, બીજો માર્ગ
નથી. શુદ્ધજીવની અનુભૂતિમાં સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર ત્રણે ગર્ભિત છે, તે–રૂપે
પરિણમેલો જીવ સિદ્ધપદને પામે છે. મહાવીર ભગવાન આવો માર્ગ બતાવીને, આ જ
માર્ગે સિદ્ધપદને પામ્યા, તેને આ દીવાળીએ અઢીહજાર વર્ષ પૂરા થયા; તેનો ઉત્સવ
અત્યારે આખા ભારતમાં ચાલી રહ્યો છે. આપણે તો આવા મોક્ષમાર્ગની સમજણ
કરીને તેવો માર્ગ પોતામાં પ્રગટ કરવો તે સત્ય મહોત્સવ છે,–કે જેનું ફળ
મોક્ષ છે.